- ગાઝાની સ્થિતિને લઈને શતાયેહ અત્યંત હતાશ
- ગાઝાને ‘બ્લડ વેલી’ જાહેર કરી ચૂક્યા છે શતાયેહ
- મહમૂદ અબ્બાસે હજુ નથી સ્વીકાર્યું રાજીનામું
પેલેસ્ટાઈનના પ્રધાનમંત્રી મોહમ્મદ શતાયેહે પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. સોમવારે 26 ફેબ્રુઆરીના રોજ શતાયેહે રાજીનામું જાહેર કરીને કહ્યું કે, ‘હું મારું રાજીનામું રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને સુપરત કરું છું.’ શતાયેહે રાજીનામા પાછળનું કારણ પણ જણાવ્યું છે. તેમનું કહેવું છે કે ગાઝા પટ્ટીમાં ફેલાયેલી આક્રમકતા અને વેસ્ટ બેન્ક અને જેરુસલેમમાં તણાવને કારણે તેમણે આ નિર્ણય લીધો છે.
વેસ્ટ બેન્કના કેટલાંક ભાગો પર પેલેસ્ટાઇનનું શાસન
વેસ્ટ બેન્કના કેટલાંક ભાગો પર પેલેસ્ટાઇન સરકાર પોતાનું શાસન ચલાવે છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી અહી ઘણી હિંસા વધી ગઈ છે. આ ઉપરાંત ગાઝામાં સતત યુદ્ધથી શતાયેહ ઘણા ચિંતિત છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આજ કારણ છે કે તેઓ રાજીનામું આપવા માટે મજબૂર બન્યા છે.
રાજીનામું આપતા શતાયેહે જણાવ્યું કે ગાઝામાં પેલેસ્ટિનિયન નાગરિકો ભૂખથી તડપી રહ્યા છે. તેમ છતાં અહી સતત ઇઝરાયલના હુમલાઓ થઈ રહ્યા હતા. જેરૂસલેમ અને વેસ્ટ બેન્કની સ્થિતિ પણ ખાસ સારી નથી. અહી પણ તણાવ ચરમસીમાએ છે. આ બધી પરિસ્થિતિઓથી ત્રાહિત થઈને પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસને પોતાનું રાજીનામું સોંપી દીધું છે.
મહમૂદ અબ્બાસે હજુ નથી સ્વીકાર્યું રાજીનામું
મીડિયા રિપોર્ટ્સ મુજબ, પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે હાલ તો મોહમ્મદ શતાયેહનું રાજીનામું સ્વીકાર નથી કર્યું. શતાયેહનું પગલું પશ્ચિમી સમર્થિત પેલેસ્ટિનિયન નેતૃત્વ દ્વારા તે પરિવર્તનનો સ્વીકાર કરવાના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે જે પેલેસ્ટિનિયન અધિકારને પુનર્જીવિત કરવા માટે જરૂરી સુધારામાં જોવા મળે છે.
ગાઝાને ‘બ્લડ વેલી’ જાહેર કરી ચૂક્યા છે શતાયેહ
ઇઝરાયલ અને હમાંસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધથી શતાયેહ ઘણા જ નિરાશ છે. તેમણે ગાઝાની સ્થિતિ પર નિવેદન આપતા તેને ‘બ્લડ વેલી’ જાહેર કરી દીધું હતું. શતાયેહે દાવો કર્યો હતો કે 7 ઓકટોબરથી શરૂ થયેલા આ યુદ્ધમાં ગાઝાને જન-ધનની ભરપૂર હાનિ થઈ છે. સ્થિતિ એ છે કે ગાઝામાં મૃતદેહોને દફનવવા માટેની જગ્યા પન વધી નથી.


