- ભાજપ કાર્યકર મીઠાપુરના મહિલા સરપંચના પતિ છે
- પાંચથી વધુ શખ્સોએ લાકડી, લોખંડની પાઇપ વડે કર્યો હુમલો
- ઘાયલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા
પંચમહાલ જિલ્લાના શહેરા ધારાસભ્યની ઓફિસની બહાર ભાજપ કાર્યકર પર તેમજ અન્ય ઇસમો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપ કાર્યકર મીઠાપુર મહિલા સરપંચના પતિ છે.
અણીયાદ ચોકડી વિસ્તારમાં આવેલી ધારાસભ્ય કાર્યાલય ખાતે સમાધાન માટે આવેલા મીઠાપુર ગામના મહિલા સરપંચના પતિ અને ભાજપ કાર્યકર સંજય સોલંકી સહિત અન્ય વ્યક્તિઓ પર પાંચ કરતા વધુ લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. ભરચક વિસ્તારમાં પાંચ કરતા વધુ લોકોએ લાકડીઓ, લોખંડની પાઇપ સહિતના ઘાતક હથિયાર વડે ભાજપ કાર્યકર સહિત અન્ય વ્યક્તિઓને માર મારતાં લોહી લુહાણ થયા હતા.
અન્ય વક્તિઓને પણ ઈજાઓ થઈ હતી
મહિલા સરપંચના પતિ સંજય સહિત અન્ય વ્યક્તિઓને શરીરે નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સંજય સોલંકી સહિત અન્ય લોકોને શરીરના માથાના ભાગે ઇજા પહોંચતા સારવાર અર્થે ગોધરા ખાતે ખસેડાયા હતા. હોસ્પિટલ ખાતે ભાજપ કાર્યકર સંજય સોલંકીના સગા સંબંધીઓ અને તેમના સમર્થકો ઉમટ્યા હતા. ભરચક વિસ્તારમાં હિન્દી ફિલ્મોના જેમ મારામારી થતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.