ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ શનિવારે લખનૌ સ્થિત પાર્ટી કાર્યાલયમાં ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક તેમના પ્રસ્તાવક તરીકે રહ્યા. સાથે જ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ વિનોદ તાવડે, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, યુપી સરકારના મંત્રીઓ સ્વતંત્રદેવ સિંહ, સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ ખન્ના અને બેબી રાની મૌર્ય સહિત અનેક અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.
માત્ર એક જ ઉમેદવારી નોંધાય
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, પંકજ ચૌધરીની બિનહરીફ પસંદગી લગભગ નિશ્ચિત છે. જો માત્ર એક જ ઉમેદવારી નોંધાય, તો ભારતીય જનતા પાર્ટી આજે જ તેમને UP પ્રદેશ પ્રમુખ તરીકે અંતિમ કરી શકે છે. અગાઉ આ પદ માટે કેન્દ્રીય રાજ્ય મંત્રી બી.એલ. વર્મા અને ભૂતપૂર્વ સાંસદ નિરંજન જ્યોતિ સહિતના નામો પર ચર્ચા થઈ હતી, પરંતુ હાલ વૈકલ્પિક ઉમેદવારીની શક્યતા ઓછી દેખાઈ રહી છે.
લખનૌમાં યોજાનારા એક પાર્ટી કાર્યક્રમમાં થવાની ધારણા
ઉત્તર પ્રદેશ ભાજપના નવા પ્રમુખની ઔપચારિક જાહેરાત રવિવારે બપોરે લખનૌમાં યોજાનારા એક પાર્ટી કાર્યક્રમમાં થવાની ધારણા છે. આ કાર્યક્રમમાં PM નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત રાષ્ટ્રીય પરિષદના સભ્યોના નામોની પણ જાહેરાત થઈ શકે છે. પાર્ટીએ હાલ સુધી નિમણૂકને લઈને સસ્પેન્સ જાળવી રાખ્યું છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યની રાજકીય વ્યૂહરચના અંતર્ગત OBC નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનો નિર્ણય અગાઉથી લેવાઈ ચૂક્યો છે.
મહત્વપૂર્ણ ચહેરા
મહારાજગંજથી સાત વખત લોકસભા સાંસદ રહી ચૂકેલા અને OBC કુર્મી સમુદાયના નેતા પંકજ ચૌધરીને ભાજપ ઉત્તર પ્રદેશમાં આવનારા રાજકીય પડકારો સામે મહત્વપૂર્ણ ચહેરા તરીકે જોઈ રહ્યું છે. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન OBC મતદારોમાં, ખાસ કરીને કુર્મી સમુદાયમાં, અસંતોષના સંકેતો મળ્યા હતા. નવા પ્રદેશ પ્રમુખની પસંદગીને આ અસંતોષ દૂર કરવા અને સંગઠન મજબૂત બનાવવા માટેના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. જો પંકજ ચૌધરી પ્રદેશ પ્રમુખ બનશે, તો મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ બંને પૂર્વી ઉત્તર પ્રદેશના પડોશી જિલ્લાઓ—ગોરખપુર અને મહારાજગંજમાંથી આવશે.
આ પણ વાચોં : Delhi-NCRમાં ફરીથી GRAP-3 અમલમાં, આ વસ્તુ અને કામો પર લગાવ્યો પ્રતિબંધ


