આજે દેશ સંસદ પર થયેલા આતંકી હુમલાની 24મી વરસી મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રક્ષા કરતા શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમના બલિદાનને નમન કર્યું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર લખ્યું કે સંસદ પરનો હુમલો ભારતના લોકતંત્ર પર હુમલો હતો, પરંતુ અમારા વીર જવાનોએ અદમ્ય સાહસ દર્શાવી આતંકીઓના મકસદોને નિષ્ફળ બનાવી દીધા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની રક્ષા કરતા શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
13 ડિસેમ્બર 2001ના રોજ થયેલા આ આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આતંકીઓએ દેશની સર્વોચ્ચ લોકતંત્રિક સંસ્થા સંસદને નિશાન બનાવવા પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં દિલ્લી પોલીસ, સંસદ સુરક્ષા દળ અને સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા. તેમની તત્પરતા અને બહાદુરીને કારણે સંસદ ભવનમાં હાજર સાંસદો અને કર્મચારીઓના પ્રાણ બચી શક્યા.
શહીદોનું બલિદાન દેશ હંમેશા યાદ રાખશે
વડાપ્રધાન મોદીએ પોતાના સંદેશમાં કહ્યું કે શહીદોનું બલિદાન દેશ હંમેશા યાદ રાખશે અને તેમની વીરતા આવનારી પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે. તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું કે ભારત આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ પર અડગ છે અને દેશની સુરક્ષામાં કોઈ પણ સમજૂતી કરવામાં આવશે નહીં.
આ અવસરે ગૃહમંત્રી, રક્ષામંત્રી સહિત અનેક નેતાઓએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સંસદ પરિસરમાં આયોજિત કાર્યક્રમમાં શહીદોને પુષ્પાંજલિ આપવામાં આવી અને બે મિનિટનું મૌન પાળીને તેમને યાદ કરવામાં આવ્યા.
સંસદ પરનો હુમલો ભારતના ઇતિહાસના સૌથી ગંભીર આતંકી હુમલાઓમાંનો એક માનવામાં આવે છે. આ ઘટના બાદ દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી અને આતંકવાદ સામે કડક પગલાં લેવામાં આવ્યા.
24 વર્ષ બાદ પણ આ દિવસ આપણને યાદ અપાવે છે કે લોકતંત્રની રક્ષા માટે આપણા સુરક્ષા દળો હંમેશા સજ્જ છે, અને તેમનું બલિદાન ક્યારેય ભૂલાવી શકાય નહીં.


