- સંસદમાં સુરક્ષા ચૂક મામલે કાર્યવાહી તેજ
- પોલીસે બળી ગયેલા મોબાઇલ ફોન કર્યા જપ્ત
- અત્યાર સુધી કુલ 6 આરોપીઓ ઝડપાયા
દેશના સૌથી સુરક્ષિત સ્થાનોમાંથી એક ગણાતા સંસદની સુરક્ષાનો ભંગ કરવાના મામલામાં આરોપીઓ વિશે સતત નવી માહિતી સામે આવી રહી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈની નવીનતમ માહિતી અનુસાર, પોલીસે રાજસ્થાનમાંથી તમામ આરોપીઓના ફોનના પાર્ટ્સ રિકવર કર્યા છે. તમામ ફોન બળી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. દિલ્હી પોલીસના સૂત્રો મુજબ તમામ આરોપીઓના ફોન લલિત ઝા પાસે હતા.
કુલ 6 આરોપી ઝડપાયા
પોલીસે ધરપકડ કરાયેલા છઠ્ઠા આરોપી મહેશ કુમાવતના સાત દિવસના રિમાન્ડ પણ કોર્ટમાંથી મેળવ્યા છે. જેમા આરોપી સાગર, મનોરંજન, નીલમ આઝાદ, અમોલ શિંદે, લલિત ઝા અને મહેશની ધરપકડ કરવામાં આવી છે.
લલિતે ફોન બાળી નાખ્યા
હવે દિલ્હી પોલીસ કેસમાં નોંધાયેલી એફઆઈઆરમાં કલમ 201-બી (પુરાવાને નષ્ટ કરવા/પુરાવા અદૃશ્ય કરવા) ઉમેરશે. પોલીસનું કહેવું છે કે આરોપી લલિતે જાણીજોઈને અને આગોતરી રીતે ચારેય આરોપીઓના ફોન લઈ લીધા અને હેન્ડસેટ સળગાવીને તેનો નાશ કર્યો. હેન્ડસેટના બળેલા અવશેષો રાજસ્થાનના નાગૌર જિલ્લાના નિર્જન જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. હવે એ સાબિત થયું છે કે આરોપી લલિત નાગૌર ભાગવા માટે નહીં પરંતુ ફોનનો નાશ કરવાના હેતુથી ગયો હતો.
માસ્ટરમાઇન્ડ કોણ ?
દિલ્હી પોલીસ લલિત ઝાને માસ્ટર માઇન્ડ માની રહી છે. લલિતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ભારતને બોમ્બની જરૂર છે. દિલ્હી પોલીસે આ પોસ્ટ અંગે સઘન તપાસ શરૂ કરી છે.
ભાઈએ નીલમને મળવા માટે કોર્ટનો આશરો લીધો
હરિયાણાના જીંદથી નીલમને મળવા માટે ભાઈ રામનિવાસે કોર્ટનો આશરો લીધો છે. નીલમને મળવા અને એફઆઈઆરની કોપી મેળવવા માટે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગેની સુનાવણી 18 ડિસેમ્બરે થશે. તે શુક્રવારે દિલ્હીમાં તેની બહેનને મળવા આવ્યો હતો, પરંતુ પોલીસે તેને મળવા દીધો ન હતો.


