પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. યુનિવર્સિટીના વોલીબોલ કોર્ટ ખાતે યોજાયેલા ઉઘ્દાટન સમારોહમાં કુલપતિ ડૉ.કે.સી. પોરિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, વોલીબોલ ફેડરેશન ઓફ્ ઈન્ડિયાના મહાસચિવ રામાનંદ ચૌધરી અને ભારતીય વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયા સહિત રજિસ્ટ્રાર ડૉ.આર.એન. દેસાઈ અને શારીરિક શિક્ષણ નિયામક ડૉ.ચિરાગ એ. પટેલ જેવા મહાનુભાવોએ હાજરી આપી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આયોજિત આ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વુમન વોલીબોલ ટુર્નામેન્ટમાં પશ્ચિમી ક્ષેત્રના પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવામાંથી કુલ 93 ટીમોએ ભાગ લીધો છે.
આ સ્પર્ધા નોકઆઉટ કમ લીગ પદ્ધતિથી રમાશે. આ વિશાળ સ્પર્ધામાં 93 ટીમોના કુલ 1300 ખેલાડીઓ ઉપરાંત 186 ટીમ મેનેજર અને કોચ પણ જોડાયા છે, જેના કારણે યુનિવર્સિટી કેમ્પસ ખેલૈયાઓની રોનકથી છલકાઈ ઉઠયું છે. આ ટુર્નામેન્ટનું આયોજન યુનિવર્સિટીના ડાયરેક્ટોરેટ ઓફ્ ફિઝિકલ એજ્યુકેશન, યુથ & કલ્ચરલ એક્ટિવિટીઝ દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાનું મહત્વ એ છે કે અહીંથી ટોચની ચાર ટીમોની પસંદગી કરવામાં આવશે, જે આંતર યુનિવર્સિટી ઇન્ટર ઝોનલ વોલીબોલ ચેમ્પિયનશિપ 2025-26માં ભાગ લેવા માટે ચેન્નાઈ જશે. આ ઇન્ટર ઝોનલ ચેમ્પિયનશિપ 20થી 24 ડિસેમ્બર દરમિયાન એસ.આર.એમ. યુનિવર્સિટી, ચેન્નાઈ ખાતે યોજાવાની છે. આ પ્રસંગે ઉપસ્થિત ઇન્ડિયન વોલીબોલ ટીમના પૂર્વ કેપ્ટન કેના ધોળકિયાએ જણાવ્યું હતું કે, વોલીબોલને વોલીબોલની રીતથી રમીએ નહીં કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સએપના ફોટો બનાવવા માટે રમીએ રમતમાં પૂરતું ધ્યાન આપીએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી 2036માં ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ રમવાની છે. ત્યારે વોલીબોલનું સ્તર જ્યાં છે, ત્યાંથી આપણે ઊંચું લઈ જવાનો પ્રયત્ન કરવાનો છે. જો રમતમાં સ્પીરીટ સાથે રમીએ તો ચોક્કસ તેનું પરિણામ આપણને મળતું હોય છે.
https://sandesh.com/maru-saher-maru-gaam
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


