ભારે વરસાદ અને દિવાળી બાદ પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આવામાં ખેડૂતોને શિયાળું પાકની આવકથી કળ વળવાની આશા છે. આવામાં જો શિયાળું પાક પણ નિષ્ફળ જાય તો ખેડૂતોની મુશ્કેલી અનેકગણી વધી શકે છે. આ વચ્ચે રાજ્યમાં ઘણા જિલ્લાની કેનાલમાં ગાબડા પડવાના કારણે પાણી ખેતરોમાં ભરાઇ જાય છે. જે કારણે ઉભા પાકને નુકસાન થાય છે.
આવામાં ખેડૂતોને પડ્યા પર પાટું વાગવા જેવી સ્થિતિ સર્જાય છે. આ કેનાલ બાંધકામમાં ભ્રાષ્ટાચાર કરતા લોકો પૈસાની લાલચમાં આવીને ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દે છે. ખેડૂતો આવા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરે છે, પણ અંતે કોઈ કાર્યવાહી થતી નથી, અને તંત્રની ભૂલનો ભોગ ખેડૂત બને છે. આવી જ હાલ ત હાલ રાધનપુરના ખેડૂતોની બની છે, જ્યાં કેનાલમાં ગાબડું પડવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
ઘઉં અને ચણાના 12 વિઘાના ખેતરમાં પાણી ફરી વળ્યું
પાટણ જિલ્લાના રાધનપુરમાં નર્મદાની વધુ એક કેનાલ ઓવરફલો અને લીકેજ થઈ છે. કેનાલ ઓવરફ્લો અને લીકેજ થવાના પગલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અરજણસર ગામ નજીકથી પસાર થતી માઇનોર 3 કેનાલમાં ઓવરફ્લો અને લીકેજની સમસ્યા સર્જાઈ છે. અરજણસરથી વડનગર માયનોર કેનાલમાં સાફ-સફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવતા વાવેતરમાં પાણી ફરી વળ્યું છે. જે કારણે ઘઉં અને ચણાના 12 વિઘાના ખેતરમાં પાણી ફરી વળ્યું છે. જે કારણે અરજણસર ગામના ખેડૂત ચૌધરી પેથાભાઈ વશરામભાઇ ખેતરમાં પાણી વળતા આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેડૂતોને પડ્યા પર પાટુ મારે તેવી સ્થિતિ
ખેડૂતો દ્વારા મોંઘા દાટ બિયારણ અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને ખાતર મળ્યા બાદ દિવસ રાત જોયા વગર ખેતીમાં મહેનત કરે છે. આવામાં નર્મદા કેનાલોમાં ગાબડા પડવા, કેનાલ ઓવરફ્લો થવી અને લીકેજના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે. આવામાં સવાલ એ થાય છે કે, ખેડૂતોના આ નુકસામ માટે જવાબદાર કોણ? સરકાર કે ભ્રષ્ટ અધિકારીઓ?
સવાલ ગમે તે હોય, જવાબ ગમે તે હોય પણ ભોગ તો ખેડૂતોને જ બનવું પડે છે. નર્મદા નિગમના અધિકારીઓના પાપે ખેડૂતોને પડ્યા પર પાટુ મારે તેવી સ્થિતિ સર્જાઈ છે. હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે, જવાબદારો સામે કડક પગલા લેવામાં આવે અને પાક નુકસાન સામે વળતર ચુકવવામાં આવે. હવે જોવાનું એ રહ્યું કે, કાર્યવાહી થાય છે કે, માત્ર દિલાસો આપીને ખેડૂતોને માત્ર ઠાલા વચનો જ મળશે.


