- ગિરનાર ખાતે વડીલની સંગીત સાધના
- પરિક્રમાના પ્રવાસીઓનું કરે છે મનોરંજન
- વિવિધ ગીતોની ધૂનથી વાતાવરણને બનાવે છે રોચક
ગરવા ગિરનારમાં તેમજ ભવનાથ ક્ષેત્રમાં વારે-તહેવાર તેમજ રજાના દિવસોમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પ્રવાસીઓ વિવિધ તીર્થ ક્ષેત્રોના દર્શનાર્થે આવતા હોય છે. તેમને 72 વર્ષીય નિવૃર્ત સરકારી કર્મચારી 100 થી વધુ વિવિધ ગીતોની ધૂન માઉથ ઓરગનથી રેલાવી લોકોને મંનોરજ પૂરુ પાડી રહ્યાં છે. તેમની આ પહેલથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ થતાં જોવા મળી રહ્યાં છે.
જૂનાગઢના નિવાસી અને BSNL માં ટેક્નિશિયનની ફરજ પરથી નિવૃત થયેલા અને પોતાના પત્ની સાથે શહેરમાં જીવન પસાર કરતાં બી.કે. પરમારે જણાવ્યું હતું કે, તેઓ નાનપણથી જ સંગીતમાં રૂચિ ધરાવતા હતા. જેથી સંગીત પ્રત્યેનાં અપાર પ્રેમથી તેઓએ સંગીતને પોતાનાં જીવનમાં પેશન તરીકે સ્થાન આપ્યું હતું. તેમણે પોતાના સંગીતમય જીવનની શરૂઆત હાર્મોનિયમ વગાડીને કરી હતી. પોતે પ્રથમ વખત આઈટીઆઈ કરતા ત્યારે કાર્યક્રમ દરમિયાન લોકો સામે પરફોર્મ કર્યું હતું. જેમાં તેમણે પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા. ત્યારેથી સંગીતને તેમણે જીવમાં પેશન તરીકે સ્થાન આપી અને આ પ્રેરણાને લીધે સંગીતના વિવિધ પ્રકારના સાધનો પોતે જાતે શીખવાનું શરૂ કર્યું હતું.
આ જ યાત્રામાં આગળ વધ્યા ત્યારે હાર્મોનિયમ, વાંસળી, માઉથ ઓરગન જેવાં સંગીત સાધનો પોતે જાત મહેનતે શીખી અને વિવિધ ધૂન વગાડતા થયા હતા. આવી રીતે તેમની સંગીતમય દુનિયાની શરૂઆત કરી હતી. ત્યારે આજે છેલ્લા 40 વર્ષથી આ તમામ વાજિંત્રો વિવિધ જાહેર કાર્યક્રમો, શહેરની કોલેજો, સરકારી કાર્યક્રમો તેમજ તા. 26 મી જાન્યુઆરી અને તા. 15 મી ઓગસ્ટમાં તેમજ અન્ય દિવસોના કાર્યક્રમોમાં વગાડે છે. આ કાર્યક્રમોમાં વિવિધ ગીતોની સાથે જ રાષ્ટ્રગીત તેમજ દેશભક્તિ ગીતોની ધૂન પણ વગાડે છે.
આમ, પોતાનાં સંગીતના શોખને સાથે રાખીને જીવન ગુજારતા બી.કે. પરમાર પોતાની ફરજ પરથી નિવૃર્ત થયા બાદ તેમને વિચાર આવ્યો કે ભવનાથ ક્ષેત્રમાં લાખોની સંખ્યામાં ભાવિકો, ભક્તો આવતા હોય છે. જેથી આ લોકોની યાત્રામાં માઉથ ઓર્ગન દ્વારા વિવિધ ગીતોની ધૂન વગાડી જાણે કે સોનામાં સુંગધ ભેળવતા હોય તેમ આ અનોખી પહેલની શરૂઆત કરી છે. છેલ્લા સાત વર્ષથી પોતે રોપ-વે, ગિરનારની સીડી, ઉપરકોટ જેવા જાહેર સ્થળો ખાતે સંગીત રેલાવી વાતાવરણને ખુશનુમા બનાવતાં જોવા મળી રહ્યા છે. દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ પણ તેમના માઉથ ઓર્ગનની ધૂન સાંભળી તેમને તાળીઓથી વધાવતા જોવા મળી રહ્યા છે. પોતાનાં ભૂતકાળનાં જીવનમાં પણ ત્રણ વર્ષ સુધી ભીખુદાન ગઢવી સાથે હાર્મોનિયમ વગાડી ચૂક્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


