નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પર આજે ટીમ ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે વનડે સિરિઝની ત્રીજી અને અંતિમ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં લોકો પણ સ્ટેડીયમ પર પહોંચ્યા હતા. મેટ્રોથી લઈ મોટેરા સુધી બ્લ્યૂ ટીશર્ટ સાથે ક્રિકેટ ફેન્સ જોવા મળી રહ્યા હતા. વિરાટ કોહલી અને રોહિત શર્માના નામની ટીશર્ટ પહેરેલા લોકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.
નરેન્દ્ર મોદી સ્ટેડીયમની બહાર લાગ્યા ઈન્ડિયા… ઈન્ડિયાના નારા
મેચ જોવા આવેલા લોકોએ કહ્યું હતું કે, આજની મેચમાં વિરાટ કોહલી ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્વે કમબેક કરે તેવી ફેન્સને આશા છે. બપોરે ગરમી હતી છતાં મેચ જોવા માટે લોકોમાં ઉત્સાહ અઢળક હતો. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવેલા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડીયમની બહાર ઈન્ડિયા ઈન્ડિયાના નારા પણ લાગ્યા હતા. ક્રિકેટ ફેન્સનું કહેવું કે, ભારત પહેલી 2 મેચ જીતીને સીરીઝ પર તો કબજો કરી ચૂક્યું છે. આ સીરીઝ ઇન્ડિયા જીતી ગયી છે તો આગળ ચેમ્પિયન ટ્રોફીમાં મજબૂત મનોબળ સાથે મેદાનમાં ઉતરશે.
પ્રેક્ષકોને અંગદાનની જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે
આ મેચ દરમિયાન ” Donate Organs, Save Lives” નામના જાગૃતિ અભિયાનને લઈને એક સાથે એક લાખ જેટલા લોકો અંગદાન માટે સંકલ્પ કરશે. આ અભિયાનને લઈને ઐતિહાસિક એવા નમો સ્ટેડિયમથી વધુ એકવાર વિશ્વભરમાં સામાજિક સંદેશ જશે.


