ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
‘મેગા માસ ડિસકનેક્શન ડ્રાઈવ’ શરૂ : 500 જેટલા ગ્રાહકો સામે લાલ આંખ
65 ટીમો અને 200 કર્મચારીઓ મેદાને
અગ્ર ગુજરાત, ગોંડલ
નિગમિત કચેરીના આદેશ અનુસાર, ગોંડલ વિભાગીય કચેરી હેઠળ આવતા તમામ વિસ્તારોમાં 65 જેટલી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોમાં અંદાજે 200 જેટલા કર્મચારીઓ જોડાઈને અલગ-અલગ વિસ્તારોમાં વીજ જોડાણ કાપવાની કામગીરી કરી રહ્યા છે.
ગોંડલ શહેરમાં 95 કનેક્શન કાપવામાં આવ્યા અને સાથે સાથે રૂ. 16.75 લાખ વસુલવામાં આવ્યા. રૂરલ (ભુણાવા) વિભાગ-2 45 કનેક્શન કાપવામાં આવ્યા જેમાં રૂ. 14.92 લાખ વસુલવામાં આવ્યા. ગોંડલ ના ગ્રામ્ય વિભાગ-2 32 કનેક્શન કાપવામાં આવ્યા જેમાં રૂ. 12.75 લાખ વસુલવામાં આવ્યા.
ગોંડલ વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેર એન.જે. મે ની યાદીમાં જણાવ્યા અનુસાર, આ ડ્રાઈવ આગામી 31 માર્ચ સુધી અવિરત ચાલુ રહેશે. આજે આ ડ્રાઈવમાં ડેપ્યુટી ઈજનેર એસ.પી.કણસાગરા, રૂરલ (ભુણાવા) વિભાગ-2 ના નાયબ ઈજનેર પી.કે.શ્યારા, ગોંડલ ગ્રામ્ય વિભાગ – 2 ના ડેપ્યુટી ઈજનેર જે.જે.રાવલ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
જે ગ્રાહકોના વીજ જોડાણ કાપવામાં આવ્યા છે, તેઓએ બાકી લેણું અને રિકનેક્શન ચાર્જ ભર્યા બાદ જ નિયમ અનુસાર ફરીથી વીજ જોડાણ મેળવી શકશે.
કામગીરીને પગલે બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે ગ્રાહકો સમયસર બિલ ભરીને ડિસકનેક્શનની કાર્યવાહીથી બચે.


