- અત્યાર સુધીમાં 230 ફાર્માસ્યૂટિકલ કંપનીઓએ MOU કર્યા
- દેશ-વિદેશની ફાર્મા કંપનીઓનું રાજ્યમાં રોકાણ કરવા માટે આકર્ષણ વધ્યું
- ગુજરાતની કંપનીઓની સાથે દેશ અને વિદેશની કંપનીઓ પણ સામેલ
ગુજરાત દેશનું ફાર્માસ્યુટિકલ હબ છે અને દેશ વિદેશની કંપનીઓ સીધી અને પરોક્ષ રીતે રાજ્યમાં પોતાની હાજરી ધરાવે છે. વાઈબ્રન્ટ ગુજરાત 2024 માટે રાજ્ય સરકાર એક્ટિવ થઇ છે અને અલગ અલગ સેક્ટરમાંથી ગુજરાતમાં રોકાણ આવે તે માટે અલગ અલગ રાજ્યોની કંપનીઓ સાથે વાત કરી રહી છે. ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA)ના જણાવ્યા મુજબ આવનારી વાઈબ્રન્ટ સમિટ માટે અત્યાર સુધીમાં 230 કંપનીઓએ ગુજરાત સરકાર સાથે મેમોરેન્ડમ ઓફ્ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કર્યા છે. આમાં ગુજરાતની કંપનીઓની સાથે દેશ અને વિદેશની કંપનીઓ પણ સામેલ છે.
FDCA કમિશ્નર એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું કે, 230 ફાર્માસ્યુટિકલ કંપનીઓએ જે MOU કર્યા છે તેના કારણે ગુજરાતમાં અંદાજે રૂ. 15,000 કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ આવશે. આ સાથે જ ફાર્મા સેક્ટરમાં બહોળા પ્રમાણમાં રોજગારીનું પણ સર્જન થશે. આ બધા જ કરાર ઇન્વેસ્ટર ફેસિલિટેશન પોર્ટલ પરથી ઓનલાઈન થયા છે. અમે જાપાન સહિત અન્ય દેશોની ફાર્મા કંપનીઓ સાથે વાત કરી રહ્યા છીએ અને આવતા દિવસોમાં MOUની સંખ્યા અને રોકાણ બંને વધવાની અપેક્ષા છે.
સૌથી મોટું P&Gનું રૂ. 2000 કરોડનું રોકાણ
એચ. જી. કોશિયાએ જણાવ્યું કે, ઇન્વેસ્ટમેન્ટ માટેના અત્યાર સુધીના જે કરારો થયા છે તેમાં સૌથી મોટું ઇન્વેસ્ટમેન્ટ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ (P&G) ઇન્ડિયા દ્વારા કરવામાં આવશે. કંપની સાણંદમાં રૂ. 2,000 કરોડનું રોકાણ કરશે અને અહી હેલ્થકેર પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરશે. તાજેતરમાં P&Gના એશિયા પેસિફ્કિ રીજનના હેડ ગુજરાત આવ્યા હતા અને નવા બની રહેલા પ્લાન્ટ માટેની જરૂરી મંજુરીની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત અન્ય ફાર્મા કંપનીઓ સાથે રૂ. 100-500 કરોડના MOU પણ કરવામાં આવ્યા છે.
ગુજરાતની ફાર્મા ઇન્ડસ્ટ્રીનું કદ રૂ. 2 લાખ કરોડ થઇ જશે
ભારતની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનું વાર્ષિક ટર્નઓવર આશરે રૂ. 4 લાખ કરોડ છે જેમાં ગુજરાતનો શેર રૂ. 1.42 લાખ કરોડ છે. ફાર્મા ઇન્ડસ્ટ્રીના લોકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના ફાર્મા ઉદ્યોગનું કદ 2026 સુધીમાં રૂ. 2 લાખ કરોડને આંબી જવાની ધારણા છે. ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટીએ 2022-23 દરમિયાન 139 નવા પ્લાન્ટ્સ શરુ કરાવના પ્રોજેક્ટ્સને મંજુરી આપી હતી. હાલ રાજ્યમાં 4000થી વધુ ફાર્મા પ્રોડક્શન યુનિટ્સ આવેલા છે.