- ફિલીપાઈન્સની રાજધાની મનીલામાં કટોકટી જાહેર કરવામાં આવી
- મનીલામાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદને લીધે કમર સુધી પાણી ભરાયા
- ચક્રવાત ‘ગેમી’ના લીધે સાંબેલાધાર વરસાદમાં 12 લોકોનાં મોત થયા
ચક્રવાત ‘ગેમી’ની વ્યાપક અસર ફિલીપાઈન્સમાં જોવા મળી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદને લીધે ફિલીપાઈન્સની રાજધાની મનીલા અને આસપાસના શહેરોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સ્થિતિને જોતા અધિકારીઓએ શાળાઓ-ઓફિસ બંધ કરવી પડવાની જાહેરાત કરી છે. એરપોર્ટ પર અનેક ફલાઈટ્સ રદ્દ કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત મનીલામાં કુદરતી હોનારતને લીધે મનીલામાં આપત્તિની સ્થિતિ જાહેર કરવામાં આવી છે. ચક્રવાત ‘ગેમી’ તાઈવાનની તરફ ભારે ઝડપે વધી રહ્યું છે. આ ફિલીપાઈન્સ નથી પહોંચ્યું પરંતુ આને ચોમાસામાં વરસાદને તેજ કર્યો છે. ફિલીપાઈન્સના અનેક વિસ્તારમાં ગત કેટલાક દિવસોથી સતત વરસાદ થઈ રહ્યો છે. જેના લીધે ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે.
અત્યાર સુધી કુલ 12 લોકોનાં મોત
ફિલીપાઈન્સમાં રાષ્ટ્રીય આપત્તિ એજન્સીએ સ્થાનિક રીતે ચક્રવાત ‘ગેમીનું નામ ‘કરિના’ પાડયું છે. ચક્રવાતને લીધે ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થઈ ચુકયા છે. અને છ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. કેટલાક વિસ્તારમાં પાણી ખભા સુધી પહોંચી ગયા છે. ફિલિપાઇન્સ કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે 260 પ્રવાસીઓ અને 16 જહાજ બંદરો પર ફસાઈ ગયા છે. જ્યારે મનીલાથી જતી આવતી 114 વિમાન સેવાને રદ્દ કરી દેવાની નોબત આવી છે. આ ઉપરાંત નાણાં બજાર પણ બંધ રહ્યું હતું.
લોકોનું રૅસ્ક્યૂ કરવામાં આવ્યું
રાષ્ટ્રપતિ તરફથી તોફાન બાદ અપાયેલા નિવેદનમાં જણાવ્યું કે, કુદરતી હોનારતમાં અલગ પડેલા નાગરિકોને મદદ પૂરી પાડવા અને પુરવઠો તૈયાર કરવા અધિકારીઓને આદેશ અપાયા છે. નદીકિનારે વસેલા શહેર મરિકીનામાં ઈમરજન્સી વિભાગના કર્મચારીઓ કમર સુધીના ઊંડાં પાણીમાં જઈને લોકોને બચાવવા માટે રબરની હોડીઓનો ઉપયોગ કર્યો હતો. સ્થિતિને જોતા કેટલાક લોકોને ચર્ચામાં શરણ આપવામાં આવી છે.
બધું નાશ પામ્યું
ચર્ચમાં શરણ લેનાર એક મહિલાએ જણાવ્યું કે, પૂરના પાણી અમારા ઘરના બીજા માળ સુધી પહોંચી ગયા હતા. જેથી અમારા ઘરની તમામ ઘરવખરી, ફર્નિચર, કરિયાણું બધું ભીંજાઈ જતા નાશ પામ્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઘણા વાહનો પાણીમાં ગરકાવ હતા. કેટલાક વાહનો માર્ગો પર ભરાઈ રહેલા પાણીમાં તણાતા જોઈ શકાતા હતા.


