- વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાજધાની કીવ પહોંચ્યા
- યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફીને મોટું નિવેદન આપ્યું
- આ 23 ઓગસ્ટ એક ઐતિહાસિક તારીખ છે: ડેલ્ફીન
ભારતમાં યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફીને શુક્રવારે કહ્યું કે, 23 ઓગસ્ટ એક ઐતિહાસિક તારીખ છે. તેમણે કહ્યું કે, આ દિવસ યુક્રેનનો સત્તાવાર રાષ્ટ્રીય ધ્વજ દિવસ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુક્રેનની મુલાકાત સાથે સુસંગત છે.
PM મોદી યુક્રેનની રાજધાની કીવ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુદ્ધગ્રસ્ત દેશ યુક્રેનની મુલાકાતે શુક્રવારે રાજધાની કીવ પહોંચ્યા હતા. 1991માં દેશને આઝાદી મળ્યા બાદ ભારતીય વડાપ્રધાન દ્વારા યુક્રેનની આ પ્રથમ મુલાકાત છે. વડાપ્રધાન મોદીનું કીવ સેન્ટ્રલ સ્ટેશન પર સ્વાગત કરવામાં આવ્યું અને ત્યાર બાદ તેઓ પ્રારંભિક કાર્યક્રમો માટે હયાત હોટલ ગયા હતા. હોટલમાં ભારતીય પ્રવાસીઓએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.
ડેલ્ફિને શું કહ્યું?
ડેલ્ફિને એક્સ પર કહ્યું કે, આ 23 ઓગસ્ટ એક ઐતિહાસિક તારીખ છે, કારણ કે તે યુક્રેનનો રાષ્ટ્રીય ધ્વજ દિવસ છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કીવની ઐતિહાસિક મુલાકાત સાથે સુસંગત છે. તેમણે વધુમાં લખ્યું કે,યુરોપિયન સંઘ યુક્રેનિયન રાષ્ટ્ર અને રાજ્યને રશિયાના આક્રમણ સામે પોતાનો બચાવ કરવા માટે સમર્થન આપવાનું ચાલુ રાખશે, યુક્રેન જીતશે!
ઝેલેન્સકીએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું
પીએમ મોદી રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના આમંત્રણ પર યુક્રેનની મુલાકાત લીધી છે. વડાપ્રધાન તેમની કીવ મુલાકાતના લગભગ છ અઠવાડિયા પહેલા જ રશિયા ગયા હતા. તેમની રશિયાની મુલાકાતની અમેરિકા અને કેટલાક પશ્ચિમી સાથીઓ દ્વારા ટીકા કરવામાં આવી હતી.
ટ્રેન દ્વારા 10 કલાકની મુસાફરી
વડાપ્રધાન તેમની બે દેશની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં યુક્રેન મુલાકાતે પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી પોલેન્ડથી ‘રેલ ફોર્સ વન’ ટ્રેનમાં લગભગ 10 કલાકની મુસાફરી કરીને કીવ પહોંચ્યા છે.
પોલેન્ડના વડાપ્રધાન સાથે કરી વાતચીત
પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથેની વાતચીત બાદ પીએમ મોદીએ ગુરુવારે કહ્યું હતું કે, યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષો ચિંતાનો વિષય છે. વધુમાં તેમણે કહ્યું કે, શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ‘વાતચીત અને કૂટનીતિ’ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે.


