- તારંગા-અંબાજી રેલ્વેલાઈન માટે રેલ્વે વિભાગ દ્વારા જમીન સંપાદન કરાશે
- સાબરકાંઠાના 20 અને બનાસકાંઠાના 16 ગામની ખેતીલાયક જમીન ખરીદાશે
- સાબરકાંઠા, બનાસકાંઠાના 257 ખેડૂતોની જમીન ઉત્તર-પશ્વિમ રેલ્વે લાઈન માટે લેવાશે
કેન્દ્ર સરકારે થોડાક સમય અગાઉ ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની પ્રજાને આસ્થાના પ્રતિક સમાન અંબાજીમાં બિરાજમાન અને શક્તિપીઠ તરીકે ઓળખાતા ધાર્મિક સ્થાનકને પ્રવાસનધામ તરીકે વધુ વિકાસ કરવાના આશયથી મહેસાણા જિલ્લાના તારંગા હિલથી અંબાજી-આબુરોડ સુધીની નવી મોટી રેલ્વેલાઈન નાંખવાની કરાયેલી જાહેરાત બાદ શનિવારે ઉત્તર-પશ્વિમ રેલ્વે વિભાગ દ્વારા જમીન સંપાદન માટેનું જાહેરનામું પ્રસિધ્ધ કરી જમીન સંપાદનની કામગીરીના શ્રીગણેશ કરાયા છે. જેમાં સાબરકાંઠાના 20 અને બનાસકાંઠા 16 ગામોની કેટલીક ખેતીલાયક તથા ખાનગી માલિકીની જમીન સંપાદન કરવામાં આવશે. જોકે જમીનના માલિકોને સરકારી રાહે વળતર પણ મળશે. રેલ્વે દ્વારા અંદાજે 116.654 કિમી માટે સંપાદિત કરાયેલ જમીન પર રેલ્વે સ્ટેશન, રેલ્વેલાઈન, અંડરબ્રિજ, નાના પુલીયા તથા નાના મોટા ગરનાળા બનાવાશે. દરમ્યાન સુત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આગામી 30મીએ અંબાજી આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારંગા-અંબાજી-આબુરોડ રેલ્વેલાઈનનું ખાતમુહુર્ત કરે તેવી શક્યતા સેવાઈ રહી છે.
આ અંગેની વિગત એવી છે કે ઉત્તર-પશ્વિમ રેલ્વેના મુખ્ય વહીવટી અધિકારી(નિર્માણ)એ જાહેરનામામાં જણાવ્યા મુજબ તારંગા હિલથી અંબાજી-આબુરોડ સુધી નવી રેલ્વેલાઈન બનાવવા માટે કેન્દ્ર સરકારે લીધેલા નિર્ણય બાદ જમીન સંપાદન કરતા અગાઉ 2008 થી 2011 સુધીમાં અમલી બનેલ કલમ 20-એ ની પેટા કલમ (1) હેઠળ વિશેષ રેલ્વે પ્રોજેકટના અમલીકરણ, જાળવણી, સંચાલન અને ઓપરેશન હેતુ માટે સૂચિત જમીનનો ઉપયોગ કરવામાં આવશે. જેના માટે અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારે ગેજેટમાં જમીન સંપાદન કરવાના નિર્ણયની જાણકારી પ્રસિધ્ધ કરી દીધી હતી.
સૂચિત રેલ્વેલાઈન માટે સાબરકાંઠાના 20 અને બનાસકાંઠા જિલ્લાના 16 ગામોની સીમમાંથી પસાર થનારી રેલ્વેલાઈન પર આવતી જમીનો રેલ્વેતંત્ર હસ્તક કરાશે. ઉલ્લેખનીય છે કે તારંગા હિલથી અંબાજી અને રાજસ્થાનના આબુરોડ સુધી તૈયાર થનારી રેલ્વેલાઈન પર જ્યારે ટ્રેનો દોડતી થશે ત્યારે રાજસ્થાનના આબુરોડ પાસેના ગામો, બનાસકાંઠાના દાંતા તાલુકાના અને સાબરકાંઠાના પોશીના તાલુકાની પ્રજાને રાજ્યના અન્ય સ્થળે જવા માટે ખૂબ જ અનૂકુળતા રહેશે. ખાસ કરીને દિલ્હી, મુંબઈ, અમદાવાદ સહિતના અન્ય સ્થળે જવા માટે જ્યાં રેલ્વેલાઈન પસાર થતી નથી તેવા વિસ્તારોને આગામી સમયમાં ફાયદો થશે. જેના લીધે રોડ પરના ટ્રાફિકનું ભારણ ઓછુ થવાની શક્યતા છે.
કયા જિલ્લાના કેટલા ગામોના ખેડૂતોની જમીન સંપાદિત થશે
નવી સૂચિત રેલ્વેલાઈન માટે ઉત્તર-પશ્વિમ વિભાગ દ્વારા જાહેરનામામાં જણાવાયા મુજબ સાબરકાંઠાના 148 જ્યારે બનાસકાંઠાના 109 ખેડૂતોની માલિકીની તથા ખેતીલાયક જમીન રેલ્વેતંત્રના તાબામાં આવી જશે
કયા તાલુકાના કેટલા ગામોની જમીન રેલ્વે લાઈન માટે સંપાદિત થશે ?
તારંગા હિલથી અંબાજી થઈ આબુરોડ સુધી તૈયાર થનારી રેલ્વેલાઈનમાં સાબરકાંઠાના પોશીના તાલુકાના કોલંદ, પોશીનાના પેટાછાપરાની જમીનનો સમાવેશ થાય છે. તે જ પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જસવાપુરા, ચોરાસણ, ઘોરડ, હાથીપગલા, સનાલી, ઉણોદરા, ઘોડાતન્તાની તથા દાલપુરાની સીમમાંથી પસાર થનાર સૂચિત રેલ્વેલાઈન માટે જમીન સંપાદિત કરાશે.
કયા ગામના કેટલા ખેડૂતોની જમીન જશે?
સૂચિત રેલ્વેલાઈન માટે સૌથી વધુ જમીન દાંતા તાલુકાના ઉણોદરા ગામના 27, સનાલી 22 જ્યારે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના પેટાછાપરાના 21 અને કોલંદ ગામના અંદાજે 15 ખેડૂતોની જમીન સંપાદિત કરાયા બાદ અસરગ્રસ્ત ખેડૂતોને સરકારી રાહે વળતર મળવાપાત્ર રહેશે.
સુચિત રેલ્વેલાઈન કયા તાલુકાઓમાંથી પસાર થશે?
મહેસાણા જિલ્લાના તારંગા હિલથી અંબાજી થઈને રાજસ્થાનના આબુરોડ સુધીની આ રેલ્વેલાઈન મહેસાણા જિલ્લાના ખેરાલુ, સતલાસણા, બનાસકાંઠાના દાંતા અને સાબરકાંઠાના પોશીના તાલુકામાંથી પસાર થઈને પરત દાંતા તાલુકામાંથી રાજસ્થાનના આબુરોડ મુખ્ય રેલ્વે લાઈન સાથે જોડાઈ જશે.
ખેડબ્રહ્માથી અંબાજી વચ્ચે રેલ્વેલાઈન માટે સંજોગ ઉજળા
કેન્દ્ર સરકારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરથી ઈડર, વડાલી થઈને ખેડબ્રહ્મા સુધીની મીટરગેજ રેલ્વેલાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરવા માટેની કામગીરી તાજેતરમાં રેલ્વેતંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. અને તેનું કામ પણ પ્રગતિમાં છે ત્યારે થોડાક સમય અગાઉ સાબરકાંઠના અગ્રણીઓએ બંને સાંસદોને ખેડબ્રહ્માને અંબાજીને જોડતી રેલ્વેલાઈન સાથે જોડી દેવાની માંગ કરી હતી.જેને લઈને આગામી સમયમાં સાબરકાંઠાની આ ઈચ્છા પરિપૂર્ણ થવાના સંજોગ ઉજળા બન્યા છે.