નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓએ સોમનાથની મુલાકાત લીધી
અગ્ર ગુજરાત, સોમનાથ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તા.10 મીએ જગવિખ્યાત સોમનાથ મંદિરે આવી રહ્યા છે. આ પ્રવાસને લઈ સમગ્ર ગીર સોમનાથ જીલ્લામાં વહીવટી તંત્ર સતર્ક બની ગયુ છે. પ્રધાનમંત્રીના બે દિવસીય પ્રવાસ દરમ્યાન યોજાનાર વિવિધ કાર્યક્રમોને લઈને યુદ્ધસ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંત્રીઓ અને અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યુ હતું.
પ્રધાનમંત્રીના આગમન પૂર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી જીતુ વાઘાણી, કૌશિક વેકરિયા, અર્જૂન મોઢવાડિયા સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને સચિવોએ સોમનાથમાં ધામા નાખી તૈયારીઓનું જાત નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યુ હતુ. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસ દરમ્યાન જાહેર સભા, અશ્વ પ્રદર્શન સહિતના વિવિધ સાંસ્કૃતિક અને લોકપ્રિય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમો સફળ અને નિરવધિ રીતે યોજાઈ શકે તે માટે મંત્રીઓ દ્વારા કાર્યક્રમ સ્થળોની મુલાકાત લઈ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, પાર્કિંગ, વી.આઈ.પી. વ્યવસ્થા તેમજ સામાન્ય જનતાની સુવિધાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોને સ્પષ્ટ સૂચનાઓ આપી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા તેમજ કોઈપણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે.
વડાપ્રધાન સોમનાથમાં રાત્રિ રોકાણ કરશે
આગામી 10 અને 11 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ પધારશે. પ્રધાનમંત્રી સોમનાથમાં રાત્રી રોકાણ કરી જાહેર સભા સહિતના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રધાનમંત્રીના આગમનને લઈને સમગ્ર સોમનાથ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહ અને ઉત્સવ જેવી માહોલ સર્જાયો છે. પ્રધાનમંત્રીના પ્રવાસથી સોમનાથની ધાર્મિક, સાંસ્કૃતિક અને પ્રવાસન ઓળખને નવી ઊંચાઈ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


