- અમદાવાદ આવીશ તો જાનથી મારી નાંખીશુ કહી અમદાવાદના ઈસમોએ ધમકી આપી
- યુવકની ગાડીના કાચ તોડી નાંખી, ઘરના બંધ દરવાજામાં પણ ધારિયા પછાડી ધમકી આપી
- યુવકે ભાગીદારીનો ધંધો બંધ કરી દેતા યુવક પાસે પાંચ લાખ ની માંગણી કરી
કઠલાલના મિરઝાપુરમાં ગઈકાલે રાત્રીના સુમારે પાંચ લાખ રુપિયા કેમ આપતો નથી કહી એક યુવકની ગાડીના કાચ તોડી નાંખી, ઘરના બંધ દરવાજામાં પણ ધારિયા પછાડી, રુપિયા નહીં આપે તો અમદાવાદ આવીશ તો જાનથી મારી નાંખીશુની ધમકી આપતા કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
કઠલાલના મિરઝાપુરમાં રહેતા ચેહરભાઈ મફતભાઈ રબારી ચારેક વર્ષ પહેલાં ચેહર ઉર્ફે માસ્તર વિહાભાઈ રબારીને ત્યાં ડ્રાઈવીંગ કરતા હતા. દરમિયાન વિજય મોતીભાઈ રબારી, તેનો ભાઈ સંજય મોતીભાઈ રબારી અને વિવેક ભરતભાઈ રબારી (તમામ રહે.વસ્ત્રાલ અમદાવાદ)ને જમીનની લેવડદેવડ બાબતે સોદો થયો હતો. જો કે છ માસ બાદ ચેહરભાઈએ માસ્તર સાથે ભાગીદારીનો ધંધો બંધ કરી દીધો હતો. બાદ ગત તા.20-10-23ના રોજ માસ્તર રબારીએ ચેહરભાઈને તારે વિજયને પાંચ લાખ રુપિયા આપી દેવા પડશે નહીં તો જીવતો નહીં મુકીએ તેમ કહી ધમકી આપી હતી. વિજયે પણ ફોન કરી તુ રુપિયા નહીં આપે તો તારા ટાંટીયા ભાગી નાંખીશુની ધમકી આપી હતી. ગઈકાલે રાત્રીના સુમારે વિજય સંજય અનેવિવેક ગાડી અને એકટીવા લઈને ચેહરભાઈના ઘરે આવ્યા હતા. અને રુપિયા કેમ આપતો નથી તેમ કહી ચેહરભાઈની ગાડીના કાચ તોડી નાંખી, બોનેટ પર ડંડા પછાડી, ચેહરભાઈના બંધ દરવાજા પર ધારિયા પછાડી પૈસા નહી આપુ તો અમદાવાદ આવીશ તો જાનથી મારી નાંખીશુની ધમકીઓ આપી હતી. આ મામલે ચેહરભાઈની ફરિયાદને આધારે ચારેય વિરુદ્ધ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.