રાજકોટમાં પોલિંગ ઓફિસરો અને ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સ્ટાફને અપાશે તાલીમ
જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેનર્સ દ્વારા અપાશે માર્ગદર્શન : વહિવટી તંત્ર દ્વારા ચૂંટણી તૈયારીઓનો ધમધમાટ શરૂ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય અને પેટા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી સજ્જતા વધારવામાં આવી રહી છે. ચૂંટણી પ્રક્રિયા ક્ષતિરહિત અને સુચારૂ રીતે સંપન્ન થાય તે હેતુથી રાજ્યના ત્રણ મુખ્ય કેન્દ્રો પર ‘જિલ્લાકક્ષાના માસ્ટર ટ્રેનર્સ’ (DLMTs) માટે એક દિવસીય વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ તાલીમ દ્વારા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને આધુનિક પ્રક્રિયાઓ અને નિયમોથી વાકેફ કરવામાં આવ્યા છે, જેથી મતદાનથી લઈને પરિણામ સુધીની તમામ કામગીરી પારદર્શક રીતે પૂર્ણ કરી શકાય.
વહીવટી સુગમતા અને વધુ સારા સંકલન માટે રાજ્ય ચૂંટણી આયોગે સમગ્ર ગુજરાતને ત્રણ ઝોનમાં વહેંચ્યું છે. આ પૈકી ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ઉત્તર ઝોનનો તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા અને બનાસકાંઠા સહિત કુલ ૧૩ જિલ્લાઓના માસ્ટર ટ્રેનર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં ચૂંટણીલક્ષી ટેકનિકલ પાસાઓ અને નવા માર્ગદર્શિકા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યના અન્ય કેન્દ્રો રાજકોટ અને સુરત ખાતે પણ સમાંતર રીતે અન્ય ઝોનની તાલીમ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે આયોજિત આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્ય ચૂંટણી કમિશનર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ ખાસ ઉપસ્થિત રહીને ૨૫ જેટલા ઉચ્ચ તાલીમી અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાખવાની સાવચેતી અને આયોગના નિયમોનું ચુસ્ત પાલન કરવા પર ભાર મૂક્યો હતો. રાજ્ય કક્ષાના નિષ્ણાત ટ્રેનર્સ દ્વારા જિલ્લા કક્ષાના અધિકારીઓને ઇવીએમ સંચાલન, આચારસંહિતાનું પાલન અને ફોર્મ્સની ચકાસણી જેવી મહત્વની કામગીરી અંગે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.
ચૂંટણીની પૂર્વતૈયારીઓના સુપરવિઝન માટે ગાંધીનગર, રાજકોટ અને સુરતના નિવાસી અધિક કલેક્ટરશ્રીઓને ‘નોડલ અધિકારી’ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. હવે આ તાલીમ પામેલા જિલ્લા કક્ષાના માસ્ટર ટ્રેનર્સ પોતપોતાના જિલ્લામાં જઈને સ્થાનિક સ્તરે ચૂંટણી સ્ટાફ અને પોલિંગ ઓફિસરોને તાલીમબદ્ધ કરશે. આ પ્રસંગે ગાંધીનગરના ઇન્ચાર્જ કલેક્ટર જે. એન. વાઘેલા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમગ્ર કવાયતનો ઉદ્દેશ્ય છેવાડાના મતદાન મથક સુધી ચૂંટણી તંત્રને સજ્જ કરવાનો અને લોકશાહીના આ પર્વને સફળ બનાવવાનો છે.


