- ઝઘડો જાહેર સ્થાને થયો હોય તો જ તે વ્યક્તિ દંડનીય ?
- કાયદાઓ ઘરની અંદર પ્રવર્તી રહેલી લૈંગિક અસમાનતાઓને દૂર કરે તે જરૂરી
- બંધારણીય રાહે શાસિત સમાજે જાહેર અને ખાનગીની આ ભેદરેખાથી પર થઇને દેખવાની જરૂર છે
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઇ) ડી.વાય.ચંદ્રચૂડે રવિવારે ભારપૂર્વક જણાવ્યું કે કાયદાઓ ઘરની અંદર પ્રવર્તી રહેલી લૈંગિક અસમાનતાઓને દૂર કરે તે જરૂરી છે. તેમણે કહ્યું કે અધિકારોના ઉલ્લંઘનના કિસ્સામાં પ્રાઇવસીના અધિકારનો આડ માટે ઉપયોગ ના થઇ શકે. દેશના 19મા મુખ્ય ન્યાયમૂર્તિ ઇ.એસ. વેંકટરમૈયાની સ્મૃતિમાં બેંગ્લુરુ નેશનલ લો સ્કૂલ ખાતે આયોજિત વ્યાખ્યાનમાળામાં બોલતાં સીજેઆઇએ ઉપર મુજબ જણાવ્યું હતું. ન્યાયમૂર્તિ વેંકટરમૈયાની પુત્રી ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ છે અને દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયમૂર્તિ બનવાની કતારમાં છે.
સીજેઆઇ ડી.વાય.ચંદ્રચૂડે વ્યાખ્યાન આપતાં કહ્યું કે જાહેર અને ખાનગી એમ બંને સ્થાને ભાગ લઇ રહેલા લોકોની સુરક્ષા માટે કાયદાના ઉદ્દેશોનો વિસ્તાર થવો જોઇએ. તેમણે કહ્યું કે તેઓ લૈંગિક અસમાનતાને જાહેર અને ખાનગી સ્થળના અંતર વિના જોવાનું પસંદ કરશે. તેમણે કહ્યું કે ભારતીય દંડ સંહિતામાં જોગવાઇ છે કે જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિ ઝઘડીને જાહેર શાંતિનો ભંગ કરતા હોય તો તેમને અપરાધ કરનારા માનવામાં આવે છે.
સીજેઆઇએ કહ્યું કે ઝઘડો જાહેર સ્થાને થયો હોય તો જ તે વ્યક્તિ દંડનીય છે, નહીંતર દંડનીય નથી. કાયદાનું જોર ઝઘડાના ગુણદોષ આધારિત નથી, પરંતુ ઝઘડો ક્યાં થયો તે સ્થળ આધારિત થાય છે. બંધારણીય રાહે શાસિત સમાજે જાહેર અને ખાનગીની આ ભેદરેખાથી પર થઇને દેખવાની જરૂર છે. તેમણે કહ્યું કે જાહેર અને ખાનગી બાબતોના આ વિરોધાભાસ સાથે મૂલવવાથી આપણા કાયદાને નારીવાદી અને આર્થિક આલોચનાના આધાર બનાવી દીધા છે. અભિવ્યક્તિની આઝાદીની વાત કરીએ તો તે ખાનગી અને જાહેર એમ બંને સ્થાને તેની હાજરી હોવી જોઇએ.


