- પ્રમુખપદની ચૂંટણીમાં 88 ટકા મત મળ્યા,
- વર્ષ 2000માં પહેલીવાર પ્રમુખ બન્યા હતા
- પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અભિનંદન આપ્યા
વ્લાદિમીર પુતિન સતત પાંચમીવાર રશિયાના પ્રમુખ બની ગયા છે. 15-17 માર્ચે થયેલા મતદાનમાં પુતિનને 88 ટકા મત મળ્યા હતા. તેમના વિરોધી નિકોલ ખારિતોનોવને માત્ર 4 ટકા મત મળ્યા હતા. ચૂંટણીમાં હરીફ ઉમેદવારો વ્લાદિસ્લાવ દાવાનકોવ અને લિયોનિદ સ્લટસ્કીને અનક્રમે ત્રીજા અને ચોથા સ્થાને રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પુતિનને અભિનંદન આપતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે વ્લાદિમીર પુતિનને રશિયન તરીકે ફરી ચૂંટાઇ આવવા બદલ હાર્દિક અભિનંદન. આવનારા વર્ષોમાં ભારત અને રશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ.
પરિણામ જાહેર થયા પછી પુતિને કહ્યું કે રશિયા હવે વધુ શક્તિશાળી અને પ્રભાવશાળી બનશે. તેમણે રશિયા-નાટો વિવાદ મુદ્દે પણ ચર્ચા કરી અને કહ્યું કે અમેરિકી નેતૃત્વ ધરાવતું સૈન્ય સંગઠન નાટો અને રશિયા આમનેસામને થશે તો વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની એક ડગ જ દૂર રહેશે. મને નથી લાગતું કે કોઇપણ આવું ઇચ્છતું હોય. પુતિન પહેલીવાર વર્ષ 2000માં પ્રમુખ બન્યા હતા. વર્ષ 2008માં પદ સંભાળ્યું હતું. વર્ષ 2012માં તત્કાલીન પ્રમુખ મેદવેદેવે પોતાના પક્ષને પુતિનને ફરી એકવાર નોમિનેટ કરવા કહ્યું હતું. તે પછી વર્ષ 2012માં ચૂંટણીમાં વિજયી થઇને સત્તામાં પાછા ફર્યા હતા. ત્યારથી માંડીને અત્યારસુધી પુતિન રશિયાનું પ્રમુખપદ સંભાળી રહ્યા છે.
પુતિન વર્ષ 2036 સુધી પ્રમુખપદે રહી શકે છે
રશિયન બંધારણમાં લખ્યું હતું કોઇપણ વ્યક્તિ સતત બેથી વધુ મુદત માટે પ્રમુખ ના બની શકે. તે નિયમને કારણે પુતિને 8મે 2008ના રોજ પોતાના મિત્ર દિમિત્રી મેદવેદેવને પ્રમુખ બનાવ્યા હતા. નવેમ્બર 2008માં મેદવેદેવે પ્રમુખના કાર્યકાળની મુદત ચાર વર્ષથી વધારીને 6 વર્ષ કરી દીધી. જાન્યુઆરી 2020માં પુતિને બંધારણમાં સુધારો કરીને બે મુદત સુધી જ પ્રમુખ બની શકે તે મર્યાદા પર પૂર્ણવિરામ મૂકી દીધું. તે નિર્ણય યોગ્ય હતો તેમ સાબિત કરવા જનમત સંગ્રહ પણ કરાવ્યો.
પ્રમુખપદની ચૂંટણી જીતતાં જ ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપી
સોમવારે પરિણામો સામે આવ્યા પછી પોતાના પ્રથમ સંબોધનમાં પુતિને પશ્ચિમના દેશોને ધમકી આપતાં ત્રીજા વિશ્વયુદ્ધની ચેતવણી આપી દીધી છે. તેમણે કહ્યું કે રશિયા અને અમેરિકા નેતૃત્વ નાટો સૈન્ય સંગઠન વચ્ચે જો સંઘર્ષ સર્જાય તો તેનો અર્થ એ કે વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધથી માત્ર એક કદમ હશે. ભાગ્યે જ કોઇ આવી સ્થિતિ જોવાનું પસંદ કરતું હશે.


