- એલેક્સી નેવલનીના જેલમાં મોતથી ઉઠયા અનેક સવાલો
- મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ નેવલનીના પત્નીનું નિવેદન
- રશિયન સરકાર વિશ્વાસ પાત્ર નથી: યુલિયા નવલનયા
રશિયન રાષ્ટ્રપતિ પુતિનના કટ્ટર વિરોધી માનવામાં આવતા એલેક્સી નેવલનીના ગઇકાલે જેલમાં મૃત્યુ થયું. તેના મૃત્યુના સમાચાર આખી દુનિયામાં હેડલાઇન્સ બની ગયા. હવે નવલનીના પત્ની યુલિયા નવલનયાએ નિવેદન આપતા કહ્યું છે કે જો નવલનીના મૃત્યુના સમાચાર સાચા હશે તો પુતિન અને તેના સહયોગીઓને ચોક્કસ સજા થશે. મ્યુનિક સિક્યોરિટી કોન્ફરન્સ દરમિયાન રડમસ ચહેરે બોલતા નવલનીના પત્ની નવલનયાએ કહ્યું કે નવલનીના મૃત્યુના સમાચાર માત્ર રશિયન સરકારના સૂત્રો પાસેથી આવી રહ્યા છે, તેથી તેના પર સંપૂર્ણ વિશ્વાસ ન કરી શકાય કારણ કે તેઓ પહેલા પણ આ પ્રકારે ઘણી વાર જુઠ્ઠું બોલી ચૂક્યા છે.
પુતિને જવાબ આપવો જ પડશે
યૂલિયા નવલનયાએ કહ્યું કે અમને પુતિન અને તેમની સરકાર પર વિશ્વાસ નથી. તેઓ હંમેશા જુઠ્ઠું બોલતા રહે છે, પરંતુ જો આ સત્ય છે તો પુતિન અને તેમની સરકાર, તેમના મિત્રોએ આપના દેશ, પરિવાર અને મારા પતિ સાથે જએ પણ થયું છે તેનો જવાબ આપવો પડશે અને તે દિવસ પણ જલ્દી આવશે. નવલનીના પત્નીએ સમગ્ર આંતરરાષ્ટ્રીય સમુદાયને રશિયાની ‘શૈતાની સરકાર’ સામે એકજુટ થવાની અપીલ કરી છે.
કોણ હતા એલેક્સી નવલની?
એલેક્સી નવલની એક રશિયન રાજકારણી અને વિરોધ પક્ષનો ચહેરો હતો. નવલની છેલ્લા એક દશકથી રશિયામાં રાષ્ટ્રપતિ પુતિનના સૌથી કટ્ટર વિરોધી રહ્યા છે. તેઓ લાંબા સમયથી જેલમાં હતો. ગત વર્ષે, નવલનીને આર્કટિક સર્કલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો, જે રશિયાની સૌથી કડક જેલોમાં ગણાય છે. જેલ વિભાગે જણાવ્યું હતું કે નવલની શુક્રવારે જેલમાં આંટા મારતી વખતે અસ્વસ્થતા અનુભવતા હતા અને તરત જ બેભાન થઈ ગયા હતા. મેડિકલ ટીમે તેમની તબિયત સુધારવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા.
2020માં પણ આપવામાં આવ્યું હતું ઝેર
નવલનીએ રશિયન રાજકારણમાં સૌથી વધુ પારદર્શિતાની માંગ કરી રહ્યા હતા. તેઓ, વર્ષ 2013માં મોસ્કોના મેયર પદ માટે ચૂંટણી પણ લડ્યા હતા અને બીજા સ્થાને રહ્યા હતા. ઓગસ્ટ 2020માં નવલનીને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓ માંડ-માંડ બચ્યા હતા.


