- દોહાથી આયરલેન્ડના ડબલિનની ફ્લાઇટની ઘટના
- જોકે ટર્બ્યૂલન્સ છતાં પ્લેન તેના નિર્ધારિત સમયે સલામત રીતે લેન્ડ થયું
- એર ટર્બ્યૂલન્સને કારણે ઇજાગ્રસ્ત લોકોમાં 6 પ્રવાસી અને 6 ક્રૂ મેમ્બરનો સમાવેશ
કતાર એરવેઝની દોહાથી આયરલેન્ડની ફ્લાઇટને હવાનું ભારે તોફાન (એર ટર્બ્યૂલન્સ) નડતાં તેમાં સવાર 12 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું ડબલિન એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે. જોકે પ્લેન નિર્ધારિત સમયે અને સલામત રીતે લેન્ડ થયું હતું. દોહા-ડબલિનની આ ફ્લાઇટ QR017એ ડબલિન એરપોર્ટ પર સ્થાનિક સમયાનુસાર બપોરે એક વાગ્યા પહેલાં લેન્ડિંગ કર્યું હતું. ફ્લાઇટ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન હતું. લેન્ડિંગ સમયે ઇમરજન્સી સર્વિસ, એરપોર્ટ પોલીસ અને ફાયર એન્ડ રેસ્ક્યૂ ડિપાર્ટમેન્ટના જવાનો હાજર હતા. એર ટર્બ્યૂલન્સને કારણે ઇજાગ્રસ્ત લોકોમાં 6 પ્રવાસી અને 6 ક્રૂ મેમ્બરનો સમાવેશ થતો હતો. નોંધનીય છે કે ગયા અઠવાડિયે સિંગાપોર એરલાઇન્સની લંડન-સિંગાપોર ફ્લાઇટને હવાનું ભારે તોફાન નડતાં એક પ્રવાસીનું મોત થયું હતું જ્યારે અન્ય 30 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા.
સિંગાપોર એરલાઇન્સની SQ 321 ફ્લાઇટે ગયા સોમવારે લંડનના હીથ્રો એરપોર્ટથી સિંગાપોરના ચાંગી એરપોર્ટ માટે ઉડાન ભરી હતી, જે ફ્લાઇટને માર્ગમાં એર ટર્બ્યૂલન્સ નડયું હતું. તેના પગલે 777-300 ER એરક્રાફ્ટનું ગયા મંગળવારે બપોરે બેંગકોકના સુવર્ણભૂમિ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું. જોકે ત્યાં સુધીમાં એક પ્રવાસી જીવ ગુમાવી ચૂક્યો હતો. પ્લેનમાં 211 પ્રવાસીઓ અને 18 ક્રૂ મેમ્બર સવાર હતા. નોંધનીય છે કે ઊડતા પ્લેનની વિંગ્સ સાથે તોફાની પવન ટકરાય ત્યારે પ્લેનમાં એર ટર્બ્યૂલન્સ થાય છે, જેના કારણે પ્લેન ઉપર-નીચે થવા લાગે છે અને તેમાં સવાર લોકોને આંચકા લાગવા માંડે છે. વીજળીના કડાકાથી અને વાદળછાયા હવામાનમાં પણ એર ટર્બ્યૂલન્સ થઈ શકે છે. કેટલાક ટર્બ્યૂલન્સ ગંભીર હોય છે, જે દરમિયાન આંચકાથી કોઈ પ્રવાસીને પેનિક એટેક આવી જાય છે, જે મોતનું કારણ બની શકે છે. એર ટર્બ્યૂલન્સ દરમિયાન પેસેન્જરે સીટ બેલ્ટ ન બાંધ્યો હોય તેવી સ્થિતિમાં પેસેન્જર કૉકપિટમાં ફેંકાવાનું જોખમ પણ રહે છે.


