- સરકારી અનાજનો જથ્થો ઝડપાયો
- કાલોલમાંથી કારમાંથી અનાજ ઝડપાયું
- પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
સરકારી અનાજની હેરાફેરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો કાલોલથી સામે આવ્યો છે. જેમાં પોલીસે ગરીબોના હકનું અનાજ સગેવગે થાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો અને પુરવઠા વિભાગને જાણ કરતાં તેના સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ અંગે બનાવની વિગતો મુજબ કાલોલ પોલીસને ફરિયાદ મળી હતી કે, સરકારી દુકાનમાંથી અનાજનો જથ્થો બારોબાર વેચાઇ રહ્યો છે. આ બાબતની જાણ થતાં જ પોલીસ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક તેમણે કાર્યવાહી શરૂ કરી હતી. આ પ્રક્રિયા દરમિયાન કાલોલ પાસેથી ઈકો કારમાં લઈ જવાતો સરકારી અનાજનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. તો પુરવઠા વિભાગે સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલ્યા છે.
મહત્વનું છે કે આ કાર્યવાહીમાં 6 બોરી ચોખા , 4 બોરી ઘઉં , બે બોરી ખાંડ , અને 1 બોરી ચણાનો જથ્થો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ કાર્યવાહી બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાંથી આ પહેલા પણ આવા પ્રકારની ઘટનાઓના અહેવાલ સામે આવ્યા છે. એક વખત શહેરાના સરકારી ગોડાઉનમાંથી પણ ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે થતું હોવાના અહેવાલ આવ્યા હતા જેને લઈને તત્કાલની ગોડાઉન અધિકારી પર કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આ અગાઉ પણ ગુજરાતમાંથી ઘણી જગ્યાએથી સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચાઈ જતો હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. હાલના દિવસોમાં દેશમાં વન નેશન વન રેશન યોજના અમલી બની છે. જેના અન્વયે ઘણાં પરપ્રાંતીય મજૂરો અને શ્રમિક પરિવારોને તેમના હકનું અનાજ નજીકની દુકાનોમાંથી મળવાપાત્ર હોય છે. આ અનાજની સાથે જ્યારે ભેળસેળ થાય અથવા તે બારોબાર વેચાય જાય તો તેની સીધી અસર ગરીબોના પેટ પર પડતી હોય છે. આ કાળાબજારના વેપારીઓની કરતૂત હોય છે. જેને નાથવી જરૂરી છે. એટલા માટે પોલીસ આવા તત્વોને સજા અપાવી તેમને કાયદાનું ભાન કરાવે તેવી લોકલાગણી છે.