- ભારતીય મૂળની મહિલાના પ્રશ્નનો જવાબ આપી જયશંકરે દિલ જીત્યું
- વિદેશ પ્રધાને દક્ષિણ કોરિયામાં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી
- જયશંકરે તે જવાબનો આપેલો જવાબ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો
ભારતના વિદેશપ્રધાન એસ.જયશંકર તેમના દ્વારા આપવામાં આવતા સચોટ જવાબને કારણે જાણીતા છે. હાલમાં તેઓ દક્ષિણ કોરિયાના પ્રવાસે છે. મંગળવારે તેમણે દક્ષિણ કોરિયામાં ભારતીય મૂળના લોકો સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન એક મહિલાએ વિદેશપ્રધાન જયશંકરને એક સવાલ કર્યો હતો. જયશંકરે તે જવાબનો આપેલો જવાબ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
ભારતીય મૂળની મહિલાએ વિદેશપ્રધાનને પ્રશ્ન કર્યો હતો કે, ‘તમે હાલમાં રાજકારણમાં છો, ભારતમાં ચૂંટણીનું વાતાવરણ છે. તમામ રાજકીય પક્ષો વિરોધપક્ષો સામે ભદ્દી ટિપ્પણી કરતી હોય છે. પરંતુ તમે દેશની અંદર કે બહાર કોઇ મુલાકાતમાં રાજકીય વિરોધીઓની વિરુદ્ધ ખરાબ શબ્દોનો ઉપયોગ કર્યો નથી. તમે આવું કરવાથી પોતાને કઇ રીતે બચાવ્યા છે?’ જવાબમાં વિદેશપ્રધાન જયશંકરે મહિલાને વળતો સવાલ કર્યો હતો કે, ‘તમે એમ પૂછવા માંગો છો ને કે? રાજકારણમાં ચાર-પાંચ વર્ષથી છું તેમ છતાં કઇ રીતે ભદ્ર ભાષામાં વાત કરી શકું છું?’ વિદેશપ્રધાને આમ કહેતાં જ કાર્યક્રમમાં હાજર લોકો હસી પડયા હતા. વિદેશપ્રધાને વધુમાં કહ્યું કે, ‘તમે બીજા લોકો સાથે જેવો વ્યવહાર કરો છો, લોકો તમારી સાથે પણ એવો જ વ્યવહાર કરતા હોય છે. હું જ્યારે રાજદ્વારી ક્ષેત્રમાં હતો ત્યારે આજે જે લોકો રાજકારણમાં છે તે પૈકી ઘણા મારા મિત્રો હતા.
ભારત સેમીકંડક્ટર ક્ષેત્રે દ.કોરિયા સાથે સહયોગ ઇચ્છે છે
વિદેશપ્રધાન જયશંકરે બુધવારે સીઉલ ખાતે દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચેની 10મી સંયુક્ત આયોગ બેઠકમાં ભાગ લીધો હતો. ભારત દક્ષિણ કોરિયા સાથે ઉભરતી ટેકનોલોજી, સેમીકંડક્ટર, ગ્રીન હાઇડ્રોજન જેવા નવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી ઇચ્છે છે કે જેથી દ્વિપક્ષીય સંબંધોને સમકાલીન બનાવી શકાય.


