- મંગળવારે મોડી રાત્રે બનેલો અકસ્માત
- અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો
- કારની સ્પિડ 100થી પણ વધુ હોવાનો અંદાજ
અડાલજ નર્મદા કેનાલ નજીક એક વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં એક પતરાની રેલીંગ કારમાં ઘુસી આરપાર નીકળી ગઇ હતી. આ બનાવમાં જોકે, કોઇને ઇજાના વાવડ નથી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો. બનાવ ગત મોડીરાત્રે બન્યો હતો.
અકસ્માતની સ્થિતી જોતા કારની સ્પિડ 100થી પણ વધુ હોવાનું જણાઇ રહ્યુ છે. અમદાવાદ પાસીંગની જીજે-01-એચડબલ્યુ-0922 નંબરની વાદળી કલરની કારને આ અકસ્માત નડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ગાંધીનગરથી અમદાવાદ તરફ જતી હતી ત્યારે અડાલજ નર્મદા કેનાલ નજીક કારને અકસ્માત થયો હતો. કાર એટલી ઝડપે અથડાઇ હતીકે, પતરાની એસએસ રેલિંગ તુટીને કારની ડાબી સાઇડથી તેની આરપાર નીકળી ગઇ હતી. સદભાગ્યે કારમાં કાર ચાલક સિવાય અન્ય કોઇ વ્યક્તિ નહી હોય જાનહાની થઇ નહતી. આ મામલે અડાલજ પોલીસ ઇન્સપેક્ટર એસ.આર મુછાળે જણાવ્યુ હતુકે, કાર ચાલકની તપાસ ચાલુ છે, અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. પોલીસે કારની તલાસી લીધી હતી. તેમાંથી કોઇ સંદિગ્ધ ચીજવસ્તુ મળી આવી નથી. બનાવ અંગે અડાલજ પોલીસે વધુ તપાસ હાથધરી છે.