પાયલોટે સમય સૂચકતા વાપરતા ટ્રેનને બ્રેક મારી દેતા દુર્ઘટના ટળી
અગ્ર ગુજરાત, જૂનાગઢ
વિશ્વપ્રસિદ્ધ ગીર નેશનલ પાર્કમાં વન વિભાગ અને રેલ્વે વિભાગની સમયસૂચકતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે. ગીરના કાસિયા નેસ વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર અચાનક એક સિંહણ અને તેના ત્રણ નાના બચ્ચા આવી ચડ્યા હતા. જોકે, વન કર્મચારીઓની સતર્કતાને કારણે ટ્રેન સમયસર ઉભી રહી ગઈ હતી અને સિંહ પરિવારનો આબાદ બચાવ થયો હતો.
કાસિયા નેસ રેન્જમાંથી પસાર થતા રેલ્વે ટ્રેક પર સિંહણ તેના ત્રણ બચ્ચા સાથે લટાર મારી રહી હતી. આ જ સમયે ટ્રેન આવવાનો સમય હોવાથી ટ્રેક પર ફરજ બજાવતા વન વિભાગના ટ્રેકર્સ અને કર્મચારીઓ તુરંત હરકતમાં આવ્યા હતા. વન કર્મચારીએ વિલંબ કર્યા વગર રેલ્વે વિભાગને આ અંગે જાણ કરી હતી. સંદેશો મળતા જ ટ્રેનના લોકો પાયલટે સમયસૂચકતા વાપરીને સિંહ પરિવારથી સુરક્ષિત અંતરે જ ટ્રેનના પૈડાં થંભાવી દીધા હતા.
ટ્રેન ઉભી રહી ગયા બાદ વન વિભાગના ટ્રેકર્સ દ્વારા સિંહણ અને તેના બચ્ચાને સુરક્ષિત રીતે રેલ્વે ટ્રેક પરથી દૂર કરી જંગલ તરફ ખસેડવામાં આવ્યા હતા. વન્યજીવો સુરક્ષિત રીતે જંગલમાં ચાલ્યા ગયા બાદ જ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી. ગીરમાં અવારનવાર ટ્રેનની અડફેટે સિંહોના મોતના બનાવો બનતા હોય છે, ત્યારે વન અને રેલ્વે વિભાગ વચ્ચેના આ સંકલનની પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.


