- વાપી, ઉમરગામ, પારડીમાં વરસાદ
- વલસાડ, કપરાડામાં અડધો ઈંચ વરસાદ
- વલસાડના છીપવાડ, હનુમાન મંદિર નજીક ભરાયા પાણી
વલસાડ જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ હવે ફરી વરસાદી માહોલ જામ્યો છે. વાપી, ઉમરગામ, પારડી સહિત આસપાસના ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ત્યારે વલસાડ, કપરાડામાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે તો ધરમપુરમાં એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.
વલસાડના છીપવાડ, હનુમાન મંદિર નજીક ભરાયા પાણી
વલસાડમાં વરસાદથી અનેક રસ્તા પર પાણી ભરાયા છે. વલસાડના છીપવાડ, હનુમાન મંદિર નજીક પણ પાણી ભરાયા છે. લાંબા વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ વરસાદે પૂરની સ્થિતિ જિલ્લામાં સર્જી હતી.
અમદાવાદ શહેરમાં વિરામ બાદ વરસાદની શરૂઆત
અમદાવાદ શહેરમાં પણ લાંબા વિરામ બાદ વરસાદે બીજી ઈનિંગની શરૂઆત કરી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શહેરના સોલા, સાયન્સ સિટી, ગોતા, સીટીએમ, ઈસનપુર, ઘોડાસર વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસ.જી. રોડ પર પણ વરસાદના કારણે વાહનચાલકોને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે વિરામ બાદ ફરી વરસાદ વરસતા લોકોને ભારે ઉકળાટમાંથી મોટી રાહત મળી છે અને નાના બાળકો પણ વરસાદમાં ન્હાવાની મજા માણી રહ્યા છે.
નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી 2.50 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું
નર્મદાના સરદાર સરોવર ડેમમાંથી 2 લાખ 50 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. ડેમમાંથી પાણી છોડવાના કારણે નર્મદા નદી કાંઠાની આસપાસના 11 ગામને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવાને લઈ શિનોર નર્મદા નદી કાંઠાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ 11 ગામના તલાટી અને સરપંચોને એલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ તરફથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે ગાંધીનગર, અમદાવાદ, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, કચ્છ, સુરેન્દ્રનગર, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, દીવ, અમરેલી, ભાવનગર, સોમનાથ, બોટાદમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શકયતાઓ છે. ત્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને લઈ આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.