- કન્યાશાળાની દીવાલ અચાનક તૂટી પડી
- હાલ કન્યાશાળાની ઈમારતનું ચાલી રહ્યું છે કામ
- કામગીરી દરમિયાન જ દીવાલ તૂટતા દોડધામ
રાજકોટના વિરપુરમાં સ્કુલની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. યાત્રાધામ વિરપુરમાં આવેલી કન્યાશાળાની દિવાલ અચાનક ધરાશાયી થઈ છે. અંદાજે 8 ફૂટ ઊંચી અને 60 ફૂટ જેટલી લાંબી દિવાલ અચાનક ધરાશાયી થતા આસપાસમાં અફરાતફરી મચી ગઈ હતી.
દીવાલ તૂટી પડતા કેટલાક વાહનોને નુકસાન
કન્યા શાળાની ઈમારતનું હાલમાં કામ ચાલી રહ્યું છે, ત્યારે સ્કૂલની જૂની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સ્કૂલની નવી ઈમારતની કામગીરી ચાલી રહી હોવાના કારણે સ્કૂલને અન્ય સ્થળ પર હાલમાં કાર્યરત કરવામાં આવેલી છે. જો કે સદનસીબે દિવાલ પડવાની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી, પરંતુ કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું છે. ત્યારે અચાનક દિવાલ પડવાની ઘટના બાદ અહીં ચાલી રહેલા કામના કોન્ટ્રાક્ટરે આ મામલે હાથ ઊંચા કરી દીધા છે.
થોડા દિવસ યાત્રાધામ અંબાજીમાં શક્તિ ભુવન ધર્મશાળાની દીવાલ ધરાશાયી થઈ હતી
થોડા દિવસ અગાઉ જ બનાસકાંઠામાં આવેલા યાત્રાધામ અંબાજીમાં વહેલી સવારે દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. અંબાજીમાં શક્તિ ભુવન ધર્મશાળાની દીવાલ ધરાશાયી થઈ હતી. જો કે સદનસીબે આસપાસ કોઈ હાજર ના હોવાના કારણે જાનહાની ટળી હતી. દીવાલ ધરાશાયી થતા સોસાયટીના ફ્લેટ સુધી દીવાલનો ભાગ આવી ગયો હતો અને પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનો સુધી પથ્થરો પહોંચ્યા હતા. શક્તિ ભુવન ધર્મશાળાની દીવાલ અચાનક ધરાશાયી થતા ઈલેક્ટ્રીક ડીપી ઉપર પથ્થરો આવી ગયા હતા.
વડોદરાની નારાયણ શાળાની દીવાલ ધરાશાયી થતા બે બાળકો ઈજાગ્રસ્ત થયા હતા
19 જુલાઈએ વડોદરાના ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલી નારાયણ શાળાની પ્રથમ માળની દિવાલ ધરાશાયી થઈ હતી, આ દુર્ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. શાળાને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને શાળા સંચાલકોએ ફાયરની ટીમને જાણ કરી હતી, ફાયરની ટીમ સ્કૂલ પર પહોંચીને કાટમાળ દૂર કરવાની કામગીરી કરી હતી.