રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
હનુમાન જયંતી મહોત્સવ નિમિતે ૧૦૮ કુંડી મહામારૂતિ યજ્ઞ, અન્નકુટ, મહાપ્રસાદ, મહાઆરતી, સુવર્ણ વાધા, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં હનુમાન જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે ૨૯ માર્ચથી ૨ એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ખાસ આયોજન કરાયું છે.મહોત્સવના ભાગરૂપે, ૨૯ માર્ચથી ૨ એપ્રિલ દરમિયાન પૂજ્ય વિવેકસાગર સ્વામીના વક્તાપદે દિવ્ય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા વ્યોવૃદ્ધ કોઠારી પૂ. હરિચરણદાસજી સ્વામીની અધ્યક્ષતામાં અને સ્વામિનારાયણ મુખ્ય મંદિરના મહંત પૂ. રાધારમણદાસજી સ્વામીની ઉપસ્થિતિ અને સંતો મહંતોની ઉપસ્થિતિમાં યોજાશે.
આ કાર્યક્રમ બોલબાલા ટ્રસ્ટ રાજકોટ, બાલાજી સેવા સમિતિ રાજકોટ અને સુરેશભાઈ આડેસરાના યજમાનપદે યોજાશે. મંદિરના કોઠારી પૂ. મુનિવત્સલદાસજી સ્વામીએ ભક્તોને કથાનો દિવ્ય લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે.
હનુમાન જયંતિના પવિત્ર દિવસે, ગુરુવાર, ૨ એપ્રિલના રોજ, ૧૦૮ કુંડી નિઃશુલ્ક મહામારુતિ યજ્ઞનું આયોજન કરાયું છે. આ યજ્ઞ સાંજે ૪:૩૦ થી ૭ વાગ્યા સુધી ચાલશે.આ હનુમાન જયંતીના દિવસે દાદાને સુવર્ણ અને ચાંદીના વાઘા પહેરાવવામાં આવશે અને અદ્ભુત શણગાર કરવામાં આવશે. સવારે મંગળા આરતી, શણગાર આરતી, ભવ્ય કાજુ કતરીના અન્નકુટ દર્શન સાથે મહાઆરતી, કેક કટિંગ અને જન્મોત્સવ ઉજવણી જેવા કાર્યક્રમો યોજાશે. આખો દિવસ મહાપ્રસાદ પણ ચાલુ રહેશે. ત્યારબાદ સાંજે રાજોપચાર આરતી અને શયન દર્શન સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. મંદિરના કોઠારી પૂ. મુનિવત્સલદાસજી સ્વામીએ તમામ ભક્તોને યજ્ઞ અને દાદાના જન્મોત્સવમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરી છે. દર વર્ષે લાખો માણસો દાદાના દર્શન આવે છે અને ધન્યતાની અનુભતિ કરે છે.


