રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
વહીવટદારો દ્વારા પંચાયતોનું કામકાજ સંભાળશે
અગ્ર ગુજરાત, રાજકોટ
ચૂંટણી પહેલા ટર્મ પૂર્ણ થતાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં વહીવટદારની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. માહિતી અનુસાર, રાજ્યની કુલ 31 જિલ્લા પંચાયતોમાં વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી છે. આ ઉપરાંત 229 તાલુકા પંચાયતોમાં પણ વહીવટદારની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યની પંચાયત સંસ્થાઓના કાર્યકાળ પૂર્ણ થવાને કારણે લેવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.
પંચાયત સંસ્થાઓની ટર્મ પૂર્ણ થયા બાદ નવી ચૂંટણીઓ યોજાય ત્યાં સુધી વહીવટ સુચારૂ રીતે ચાલે તે માટે આ નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યના પંચાયત વિભાગ દ્વારા આ અંગે સત્તાવાર આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓ પંચાયતના દૈનિક વહીવટી કામકાજ સંભાળશે અને વિકાસ કાર્યોમાં સતતતા જળવાઈ રહે તેની જવાબદારી નિભાવશે. નવી પંચાયત ચૂંટણી યોજાય અને નવી ચૂંટાયેલી બોડીઓ કાર્યભાર સંભાળે ત્યાં સુધી આ વહીવટદારો દ્વારા પંચાયતનો કારભાર સંચાલિત કરવામાં આવશે.


