ગોંડલમાં ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોત કેસમાં તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં મંજૂરી માગી હતી. આ માટે ગણેશે પણ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી હતી. હવે કોર્ટે આ મંજૂરીને ગ્રાહ્ય રાખતા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવામાં આવશે.
આજથી નાર્કો ટેસ્ટ માટેની પ્રકિયા શરૂ કરાશે.
ગણેશ જાડેજાનો આગામી 12મી ડિસેમ્બરના રોજ નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. આજથી નાર્કો ટેસ્ટ માટેની પ્રકિયા શરૂ કરાશે. આ કેસમાં ખાનગી બસના ચાલકનો નાર્કો ટેસ્ટ નહીં થાય કારણ કે તેની ઉંમર અને શારીરિક સ્થિતિને લઈને નાર્કો ટેસ્ટ નહીં કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ ગણેશ ગોંડલના સમર્થકોએ રાજકુમારના પિતાનો પણ નાર્કો ટેસ્ટ કરવાની માગ કરી છે. નાર્કો ટેસ્ટના રિપોર્ટ બાદ રાજકુમારના મોતને લઈને અનેક અટકળો ઉપર પૂર્ણ વિરામ લાગી શકે છે.
10થી વધુ લોકોના નિવેદન લેવાયા
આ કેસમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ તપાસ ટીમ કામગીરી કરી રહી છે. પોલીસે ગણેશ ગોંડલ સહિત 10થી વધુ લોકોના સુરેન્દ્રનગર ખાતે નિવેદન નોંધ્યા છે. રાજકુમારના મોત બાદ એક કાળા રંગની ગાડીને લઈને સવાલો ઉભા થયા હતાં. પોલીસે રાજકોટના બે વ્યક્તિઓ સહિત અન્ય લોકોને પણ નિવેદન માટે બોલાવ્યા હતાં.


