- પ્રેમગઢ, ભાદરા, ઉમરાળી, લુણાગરા સહિત ગામોમાં વરસાદ
- જેતપુરના મેવાસા ગામે પ્રોટેક્શન વોલ તુટી પડતાં ચર્ચા
- હરિપર ગામે વોકળાના પાણીમાં તણાતા વૃદ્ધાનું મોત
રાજ્યમાં ચોમાસાની હજુ સત્તાવાર શરૂઆત નથી થઈ ત્યારે આજે રાજકોટના જેતપુર વાતાવરણમાં પલટો આવ્યા બાદ ભારે વરસાદ થયો છે. જેતપુર તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદ થયો છે. મળતી માહિતી મુજબ, પ્રેમગઢ સહિત આસપાસના ગામોમાં વરસાદ થયો છે. પવન સાથે વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયા હતા. તો, પહેલા જ વરસાદમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ
જાણવા મળી રહ્યું છે કે, જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ થયો છે. જેમાં, પ્રેમગઢ, ભાદરા, ઉમરાળી, લુણાગરામાં વરસાદ થયો છે. ટોમ પ્રેમગઢ ગામે ભારેપવન સાથે ધોધમાર વરસાદ થયો હતો. સવારથી અસહ્ય ઉકળાટ બાદ ધોધમાર વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
મેવાસા ગામે પ્રોટેક્શન વોલ તુટી
તો જેતપુરમાં આજે વરસેલા પહેલા જ વરસાદમાં જેતપુરના મેવાસા ગામે પ્રોટેક્શન વોલ તુટી ગઈ હતી. બે મહિના પહેલા જ મેવાસા ગામે વોકળા ઉપર બનાવવામાં આવેલ પ્રોટેક્શન વોલ ધરાશાયી થઈ ગઈ હતી. પહેલા જ વરસાદમાં પ્રોટેક્શન વોલ તૂટી જતાં ગામલોકો ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવી રહ્યા છે.
હરિપર ગામે વૃદ્ધા પાણીમાં તણાયા
આજે જેતપુરના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે. ત્યારે, આજે વરસેલા પહેલા જ વરસાદમાં એક વૃદ્ધાનું મોત થયું છે. હરિપર ગામે ખેતરથી ઘરે આવતા સમયે વૃદ્ધા વરસાદી પાણીમાં તણાયા હોવાની વિગત મળી રહી છે. હરિપર ગામે ખળખળીયા ત્રિવેણી વોકળામાંથી પસાર થતા સમયે પગ લપસતા વૃદ્ધા તણાયા હતા. હરિપર ગામના મોંઘીબેન લાલકીયા નામના 80 વર્ષીય વૃદ્ધ તણાતા તેમનું મોત નીપજ્યુ હતું. સ્થાનિક લોકોએ વૃદ્ધાનો મૃતદેહ પાણીમાંથી બહાર કાઢ્યો હતો.


