- જીવાપર ગામે દીપડાએ પશુઓનું કર્યું હતું મારણ
- મોડી રાત્રે દીપડો પાંજરે પૂરાતા લોકોના ટોળા ઉમટ્યા
- વન વિભાગ દ્વારા જીવાપર ગામે ગોઠવાયું હતું પાંજરું
રાજકોટના જીવાપર ગામે છેલ્લા કેટલાય સમયથી દીપડાનો આતંક જોવા મળી રહ્યો હતો. ગઇકાલે આ દીપડાએ એક વાછરડીનું મારણ કરતાં ગામલોકોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે, હવે ગામલોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કારણ કે આ ખૂંખાર દીપડો હવે પાંજરે પુરાયો છે.
જીવાપર ગામમાં છેલ્લા કેટલાય સમયથી ખૌફનું કારણ દિપડો આખરે પાંજરે પુરાયો છે. જીવાપર ગામમાં અલગ અલગ ખેતરોમાં અને વાડીઓમાં દીપડા દ્વારા પશુઓનું મારણ કરવામાં આવ્યું હતું. ગઇકાલે પણ એક વાડીમાં ઘૂસી જઈને આ દીપડાએ વાછરડીનું મારણ કર્યું હતું. આ દીપડાને પકડવા માટે વનવિભાગે પાંજરૂ ગોઠવ્યું હતું.

મળતી માહિતી મુજબ, રાજકોટ વન વિભાગ દ્વારા જીવાપર ગામે દીપડાને કપડવા માટે પાંજરૂ મુકાયું હતું. ત્યારે, ગઇકાલે મોડી રાત્રે આ દિપડો પાંજરામાં પુરાયો હતો. દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડો પાંજરે પુરાયાના સમાચાર વાયુવેગે આખા ગામમાં ફેલાઈ જતાં દીપડાને જોવા માટે ગામલોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બાદમાં, વન વિભાગ દ્વારા દીપડાને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
ગઈ કાલે કર્યું હતું વાછરડીનું મારણ
રાજકોટ જિલ્લાના બામણબોર ગામ પાસે જીવાપર ગામે રામદેવપીરના મંદિરની બાજુમાં આવેલ બાબુભાઈ મોહનભાઈ મેરની વાડીના માલ ઢોર બાંધવાના વાડામાં મોડી રાત્રે ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. વાડામાં ઘૂસી જઈને દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું છે. આ વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનાથી દીપડાનો ત્રાસ છે થોડા દિવસો પૂર્વે દીપડીને પાંજરે પૂરવામાં આવી હતી જેથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
પરંતુ, હવે થોડા દિવસોથી ફરી જીવાપર બામણબોર પંથકમાં દીપડાએ દેખા દેતા અને વારંવાર પશુઓનું મારણ કરવામાં આવતું હોવાથી ગામના લોકો ભયભીત થઈ ગયા છે. જીવાપરના ખેડૂતોએ દીપડાના ભયને લીધે રાત્રે વાડીએ જવાનું પણ બંધ કરી દીધું છે. ગત રાતની ઘટના અંગે વન વિભાગ તંત્રને જાણ કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા તાત્કાલિક ધોરણે દીપડાને પકડી પાડી પાંજરે પૂરવામાં આવે તેવી વન વિભાગના અધિકારીઓ સમક્ષ માંગ કરવામાં આવી છે.


