રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ખાતે શ્રમિક પરિવારની એક 6 વર્ષની બાળકી સાથે હૃદય કંપાવી દે તેવી ક્રૂરતાભરી દુષ્કર્મની ઘટના સામે આવી છે. બાળકી ખેતરમાં રમી રહી હતી તે સમયે એક હવસખોર શખ્સ તેને ઉઠાવી ગયો હતો અને પોતાની હવસનો શિકાર બનાવી હતી.
બાળકી ખેતરમાં રમતી હતી તે સમયે ઉઠાવી ગયો હતો
આ ઘટનામાં નરાધમે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ ક્રૂરતાની હદ વટાવી હતી. તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દઈ તેને લોહીલુહાણ કરી દીધી હતી. દુષ્કર્મ બાદ નરાધમ બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે તાત્કાલિક રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આરોપી મૂળ મધ્યપ્રદેશનો વતની હોવાનું સામે આવ્યું
પોલીસે આરોપીને ઝડપી પાડવા તાત્કાલિક તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, આ નરાધમ આરોપી મૂળ મધ્યપ્રદેશનો વતની છે. SP એ ખાતરી આપી છે કે પોલીસ બાળકીની સારવારમાં સંપૂર્ણ મદદ કરી રહી છે અને નરાધમને ઝડપથી કડકમાં કડક સજા અપાવવામાં આવશે.


