રાજકોટ જિલ્લાના ઉપલેટામાં તંત્રની બેદરકારીનો ભોગ એક ગાયને બનવું પડ્યું છે. ઉપલેટા નગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે રાખવામાં આવેલી ખુલ્લી કુંડીમાં ગાય પડી ગઈ હતી. જોકે, આ ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. આ ઘટનાને કારણે ગૌ પ્રેમી અને સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. આ સાથે લોકો દ્વારા જબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગટરની ખુલ્લી કુંડીમાં એક ગાય પડી જતાં ભારે હોબાળો
રાજકોટ જિલ્લામાં આવેલા ઉપલેટા શહેરમાં નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. ઉપલેટા શહેરના કે. ઓ. શાહ પેટ્રોલ પંપ નજીક આવેલી ગટરની ખુલ્લી કુંડીમાં એક ગાય પડી જતાં ભારે હોબાળો મચી ગયો હતો. ગૌ પ્રેમીઓ અને સ્થાનિકોની ભારે જહેમત બાદ આ ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી, પરંતુ આ ઘટનાએ ઉપલેટા નગરપાલિકાના બેજવાબદાર વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
સમારકામ વિના જોખમી હાલતમાં ગટરની કુંડીઓ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઉપલેટા શહેરના અનેક વિસ્તારોમાં ગટરની કુંડીઓ ખુલ્લી છે અથવા તો તેના ઢાંકણા તૂટી ગયા છે. હાલ આ ગટરની કુંડીઓ સમારકામ વિના જોખમી હાલતમાં છે. વારંવાર રજૂઆતો કરવા છતાં ઉપલેટા નગરપાલિકાનું તંત્ર આ ગંભીર બાબત પ્રત્યે સદંતર બેદરકારી દાખવી રહ્યું છે. આ કુંડીઓ માત્ર પશુઓ માટે જ નહીં, પરંતુ રાહદારીઓ, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોના માનવ જીવનને પણ જોખમમાં મૂકે છે.


