- રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સુરતમાં કાર્યવાહી તેજ
- 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા, ચાર મેળા, એક સર્કસ બંધ કરાયું
- આખરી રિપોર્ટ બાદ ગેમ ઝોન, મેળાને લીલીઝંડી અપાશે
રાજકોટના TRP ગેમઝોનમાં શનિવારે સર્જાયેલી કરુણાંતિકા બાદ સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસનું તંત્ર દોડતું થયું હતું. જેમાં નિયમ પાલનની સમીક્ષા સાથે જ 10 ગેમ ઝોન, 6 પ્લે એરિયા, ચાર મેળા, એક સર્કસ અને એક જાદુગરનો શો બંધ કરી દેવાયા છે. પતરાના શેડમાં, ફાયરની એનઓસી વીના ચાલતા કેટલાક ગેમઝોન અને મેળામાં નિયમોના ઉલ્લંઘનની પોલ ખૂલી ગઇ હતી. રવિવારે દિવસભર પાલિકા અને પોલીસની ટીમે સ્થળ નિરીક્ષણ અને દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ મોડી સાંજે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ફાયર NOCની ચકાસણી કરી રિપોર્ટ કર્યો તૈયાર
સુરત મહાનગર પાલિકા, પોલીસ, નાયબ મામલતદાર, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર સહિતના 12 સભ્યોની ટીમે રવિવારે સુરત શહેર વિસ્તારમાં આવેલા તમામ ગેમઝોનમાં ફાયર સેફ્ટી, એન્ટ્રી-એક્ઝિટ ગેટ, ગેમઝોનની માણસો સમાવવાની ક્ષમતા, જરૂરિયાત મુજબના NOC વગેરેની ચકાસણી કરી રિપોર્ટ તૈયાર કર્યો હતો. દરમિયાન ફાયર એનઓસીનો અભાવ, અન્ય વિભાગોની મંજૂરી ન લેવા અને વીજ યુનિટનો લોડ કરતાં વધુ વપરાશ અથવા તો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને કરાવાતી એક્ટિવિટીની તપાસ-પૂર્તતાને જોતાં 16 ગેમ ઝોન, પ્લે ઝોન, મેળા અને સર્કસ બંધ કરાવી દેવાયા હતા.
સુરતમાં આ ગેમ ઝોન અને મેળાઓ કર્યા બંધ
- રિબાઉન્સ (પ્રાઈમ શોપર્સ પાસે, વેસુ)
- એક્સપ્લોર (ડુમસ રોડ)
- બ્લેક બની (વેસુ વીઆઇપી રોડ)
- વૂપ્સ (ડુમસ રોડ)
- ફ્યુચર ઝોન (વેલેન્ટાઇન સિનેમા પાસે)
- રાજહંસ ગેમ ઝોન (અડાજણ મલ્ટીપ્લેક્સમાં)
- ડી એક્સ (આનંદ મહલ રોડ)
- ફન ફેર (કોસમાડા)
- શોટ્સ (વેલેન્ટાઇન સિનેમા પાછળ)
- અવધ યુટોપીયા (ડુમસ)
- વનિતા વિશ્રામ મેળો (અઠવાલાઇન્સ)
- કૂકૂ મેળો (વીઆર મોલ સામે)
- સુરત મેળો (પાલ)
- મેળો (ખાટુશ્યામ મંદિર પાસે)
- રેમ્બો સર્કસ (વરાછા ઝોન)
- જાદુગર શો (ડિંડોલી)
દુર્ઘટના બાદ તંત્ર ઝબકીને જાગ્યું..!
રાજકોટ દુર્ઘટના બાદ સફાળા જાગેલા વહીવટી તંત્રએ ગેમઝોન, મેળામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં વેસુ વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં ચાલતી લાલિયાવાડી બહાર આવી હતી. તપાસ વેળા ગેમઝોનમાં 26 મે-2024ની તારીખનું ફાયર એક્સ્ટિગ્યુસર મળી આવ્યું હતું. આમ, શનિવારે દુર્ઘટના બાદ સુરત શહેરના અનેક ગેમઝોનમાં રાતોરાત ફાયરનાં સાધનો મૂકી દેવાયા હોવાનું પણ નોંધાયું છે. આ સિવાય આખો ગેમઝોન પતરાના શેડમાં ચાલી રહ્યો હોય એવું પણ નોંધાયું છે. તપાસમાં અનેક લોલંલોલ બહાર આવી હતી.
રિપોર્ટ બાદ ગેમ ઝોન, મેળાને લીલીઝંડી અપાશે
ગેમ ઝોનની કેટેગરીમાં આવતા 11માંથી 10 ગેમ ઝોન બંધ કરાયા હતા. જ્યારે 4 મેળા અને એક સર્કસ બંધ કરાવી દેવાયું હતું. જ્યારે ૬ પ્લે એરિયા બંધ કરાવાયા હતા. દરમિયાન કેટલાક ગેમઝોન પતરાના શેડમાં ચાલતા હોવાનું નોંધાયું હતું. કેટલેક ઠેકાણે ફાયર વિભાગની એનઓસી ન હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી હતી. આ સાથે જ કેટલેક ઠેકાણે પૂરતા દસ્તાવેજ, પુરાવા મળ્યા ન હોવાનું પણ દેખાતા આકરી કાર્યવાહી કરવાના સંકેત અપાયા છે. હવે આખરી રિપોર્ટ બાદ ગેમ ઝોન, મેળાને લીલીઝંડી અપાશે.


