સરદાર પટેલ ભવનમાં 100થી વધુ વિદ્યાર્થીઓ વાંચન રૂમનો લાભ લઇ શકશે
ખોડલધામ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા શહેરના સરદાર પટેલ ભવન ખાતે 100થી વધુ વિદ્યાર્થીઓએ એક સાથે બેસીની વાંચન કરી શકે તેવા હવા ઉજાશ અને અદ્યતન સુવિધા સભર રીડિંગ રૂમનું નિર્માણ કરાયું છે. જેનું ઉદ્દઘાટન 1 ઓગસ્ટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કમલસિંહ ડોડિયાના હસ્તે થયું હતું.
સરદાર પટેલ ભવન ખાતે નિર્માણ પામેલા આ વાંચન રૂમમાં વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકે તેવી તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. વાંચન રૂમમાં ફ્રી વાઇફાઇ, લોકર, આરામદાયક ખુરશી, એસી સહિતની અતિ આધુનિક સુવિધા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાઇ છે. આ વાંચન રૂમનો સર્વ સમાજના યુવાનો લઇ શકશે. વધુ માહિતી માટે 74860 39344નો સંપર્ક કરવો.
સમારોહનું દીપ પ્રાગટ્ય સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટના પ્રમુખ હરેશ પરસાણાના હસ્તે અને ટ્રસ્ટી જયેન્દ્ર અકબરીએ સંસ્થાનો પરિચય સર્વેને કરાવ્યો હતો. ધારાસભ્ય રમેશ ટીલાળાએ યુવાનોને પ્રેરણારૂપ ઉદ્દબોધન કર્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કમલસિંહ ડોડિયાનું સન્માન ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ચેરમેન નરેશભાઇ પટેલ, હરેશ પરસાણાએ ખોડલધામનો ખેસ પહેરાવી કર્યું હતું. ટ્રસ્ટી વિજય સિયાણી, જી.એલ.રામાણી મંત્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


