- કોર્ટના આદેશના પગલે રજિસ્ટ્રીની તપાસ સમિતિનો સીલબંધ અહેવાલ
- લાંચની ફરિયાદ રદ કરવા ધર્મેશ ગુર્જરની અરજીની સુનાવણીમાં રિપોર્ટ રજૂ થયો
- રજિસ્ટ્રીએ કોર્ટ કર્મચારીઓના કેટલાકના નિવેદન લીધા હતા
પ્રેકટીસીંગ એડવોકેટ હોવા છતાં અને કોર્ટ કમિશનર તરીકેની ફરજ દરમ્યાન બે લાખ રૂપિયાની લાંચના કેસમાં સંડોવાયેલા એડવોકેટ ધર્મેશ ગુર્જરની કવોશીંગ પિટિશનની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી દ્વારા સીલ બંધ કરવામાં રજૂ કરેલા રિપોર્ટમાં એક વાત તો સ્પષ્ટ થઇ હતી કે, ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલમાં કથિત ભ્રષ્ટાચારને લગતા કેસમાં તેના રેકર્ડ સાથે ચેડાં કરી ગંદી રમત રમાઇ હતી. કોર્ટે પણ જણાવ્યું કે, પ્રથમદર્શનીય રીતે આ કેસમાં રમત રમાઇ છે.
હાઈકોર્ટે આ બાબતની ગંભીર નોંધ લેતાં સ્પષ્ટ કર્યું કે, રજિસ્ટ્રાર જનરલ દ્વારા આ પ્રકરણમાં તપાસ કરી રજૂ કરાયેલા પ્રાથમિક રિપોર્ટમાં પ્રથમદર્શનીય રીતે જણાય છે કે, તા.9-10-2023 થી તા.25-10-2023 વચ્ચે રમત રમાઇ છે.તા.21-10-2023ના રોજ. રજિસ્ટ્રીએ કોર્ટ કર્મચારીઓના કેટલાકના નિવેદન લીધા હતા અને પ્રાથમિક અહેવાલ સીલ કવરમાં કોર્ટમાં રજૂ કર્યો હતો. સાથે સાથે આ પ્રકરણની વધુ તપાસ માટે થોડો સમય માંગ્યો હતો. હાઇકોર્ટે આ સમગ્ર પ્રકરણમાં ગંદી રમત રમવા પાછળ રજિસ્ટ્રીના સ્ટાફ્, વકીલ સહિત કોની ભૂમિકા છે અને કોણ સંડોવાયેલું છે તેની ઝીણવટભરી તપાસ કરવા રજિસ્ટ્રાર જનરલને હુકમ કર્યો હતો. હાઇકોર્ટે અગાઉ કરેલા અવલોકનો સંદર્ભે ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ પાસેથી પણ ખુલાસા સાથેનો રિપોર્ટ માંગ્યો હતો. ખાસ કરીને ટ્રિબ્યુનલની કામગીરી સુચારુ અને સુવ્યવસ્થિત રીતે હાથ ધરાય તેના માટે ઓશું પગલાં લેવાશે તેનો ઉલ્લેખ પ્રગતિ અહેવાલમાં કરવા હાઇકોર્ટે જણાવ્યું હતું. હાઇકોર્ટે ગુજરાત બાર કાઉન્સીલને પણ આ સમગ્ર મામલામાં કોઇપણ પ્રકારના પક્ષપાત કે તરફેણ કર્યા વિના સખતમાં સખત પગલાં લેવા હુકમ કર્યો હતો અને તેનો રિપોર્ટ તા.8મી નવેમ્બર સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરવા હુકમ કર્યો હતો.