વન વિભાગે ઉગારી લીધા : ફેન્સિંગ કુદીને રેલ ટ્રેક પર આવી ગયા હતા
રાજુલા પંથકમાં સિંહનો વસ્તી વધી ગઇ છે અને રેલવેના ટ્રેક તથા રસ્તા પર લટાર મારતા વનરાજો જોવા મળે છે. ગઇકાલે રાજુલા પંથકમાં રેલવેના ટ્રેક પર આવી ગયેલા બે સિંહ અંગે વનવિભાગના અધિકારીઓને માહિતી મળતાં રેલવે ટ્રેક પર દોડી ગયા હતા અને બન્ને સિંહોનો બચાવ કર્યો હતો.
સાવરકુંડલા પંથક અને રાજુલા પંથકમાં રેલવે લાઇનના કારણે એશિયાટીક સિંહોના વારંવાર મોત થવાની ઘટનાઓ બની ચુકી છે. અહીં ધસમસતી ટ્રેનો અને માલગાડીઓની ટક્કરથી સિંહોના મોત નીપજવાના અનેક બનાવો બની ચુકયા છે. આવો ટ્રેક લીલીયાથી છેક રાવજુલા સુધી અને સુરેન્દ્રનગર પીપાવાવ ટ્રેક કુખ્યાત બન્યા છે. ગઇકાલે રાજુલાની ધાતરવાડી નદી વિસ્તારમાં ફેન્સિંગ કૂદીને એક સિંહ રેલવે ટ્રેક પર આવી ગયો હતો. જેની જાણ વનવિભાગના કર્મચારીઓને થતાં તેણે સિંહનું તાત્કાલીક લોકેશન શોધીને ધોધમપૂલ પાસેનો ફેન્સિંગ દરવાજો ખોલાવીને બહાર કાઢી સંભવીત અકસ્માતથી બચાવી લીધો હતો.


