- 14 ઓક્ટોબરે જ અમદાવાદમાં વરસાદની આગાહી
- મહામુકાબલામાં વરસાદ વિઘ્ન બને તેવી સંભાવના
- નવરાત્રીમાં ત્રણ નોરતા સુધી વરસાદની શક્યતા
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે આવતીકાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ભારત પાકિસ્તાનની મેચ અને 15 તારીખથી નવરાત્રીનો પાવન પર્વ શરૂ થવાનો છે. ત્યારે રાજ્યમાં ક્યાંક વરસાદ રંગમાં ભંગ પાડશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ક્યાંક સામાન્ય તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ વચ્ચે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામા વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. દામનગર બાદ મોટા આકડીયા નાના આકડીયા મોટા માચિયાળા નાના માચિયાળા ચિતલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણ પલટાયુ છે. અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહન્તીના શુક્રવારે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 14 ઓક્ટોબરના રોજ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. જેના લીધે 14થી 16 તારીખમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. નવરાત્રીના રંગમાં પણ ભંગ પડી શકે છે.
મહામુકાબલામાં વરસાદ વિઘ્ન બને તેવી સંભાવના
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. જેના કારણે ઉત્તર પશ્ચિમ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં વરસાદ અંગેની આગાહી કરતા તેમણે એમ પણ જણાવ્યુ કે, 14 અને 15 તારીખના રોજ અમદાવાદ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 15થી 16 ઓક્ટોબરે સામાન્ય વરસાદની શક્યતા રહેશે.
ઉ.ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 16 ઓક્ટોબરના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદની શક્યતા છે અને અન્ય જિલ્લામાં વાતાવરણ સૂકું રહેશે. નોંધનીય છે કે, 15મી તારીખથી નવરાત્રી શરૂ થઇ રહી છે અને આ દિવસોમાં પણ વરસાદની શક્યતાને કારણે ખેલૈયાઓમાં ચિંતા છવાઇ છે. જેના કારણે ખેડૂતોનામાં પણ ચિંતા જોવામાં આવી રહી છે.