- ચૂંટણી ઢંઢેરામાં રાજકીય પક્ષોને વચનો આપવાનો પણ અધિકાર : ચૂંટણી પંચ
- તામિલનાડુમાં ચૂંટણી તૈયારીની સમીક્ષા થઈ રહી છે, રાજ્યોને બદલી કરવા તાકીદ કરાઈ
- ચૂંટણી દરમિયાન રોકડ અને ભેટ-સોગાદના વિતરણને રોકવા સૂચના અપાઈ છે
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે રાજકીય પક્ષોને તેમના ચૂંટણી ઢંઢેરામાં વચનો આપવાનો અધિકાર છે. એ જ રીતે મતદારોને પણ રાજકીય પક્ષો દ્વારા આપવામાં આવેલા વચનો પૂરા થયા કે નહીં તે જાણવાનો અધિકાર છે. ચૂંટણી પંચે પક્ષો દ્વારા આપવામાં આવતા વચનોને મુદ્દે સ્પષ્ટતા કરતાં એક પ્રફોર્મા તૈયાર કર્યો છે. આ બાબત હાલમાં વિચારાધીન છે. તેમણે કહ્યું કે મતદારોને તે જાણવાનો અધિકાર છે કે રાજકીય પક્ષે આપેલા વચનો વાસ્તવિક છે કે કેમ? તે કાર્યક્રમને નાણાકીય પોષણ કઈ રીતે મળે છે તે જાણવાનો પણ મતદારોને અધિકાર છે.
ચૂંટણી પંચ હાલમાં લોકસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ચૂંટણી પંચ વિવિધ રાજ્યોમાં ચાલી રહેલી ચૂંટણી તૈયારીઓની સમીક્ષામાં વ્યસ્ત છે. શનિવારે તેમણે ચેન્નઈમાં પત્રકાર પરિષદને સંબોધતાં મહત્ત્વની અનેક જાણકારી આપી હતી. રાજીવ કુમારે જણાવ્યું હતું કે કાયદાનો અમલ કરનારી એજન્સીને સાવધ રહેવા , ચૂંટણી દરમિયાન રોકડ અને ભેટ-સોગાદના વિતરણને રોકવા સૂચના અપાઈ છે. કેટલાક મતદાન કેન્દ્રોનું સંચાલન મહિલા કે દિવ્યાંગ કર્મચારી અને યુવાનો દ્વારા પણ થવાનું છે. તેમની ક્ષમતા અને સશક્તીકરણનું પ્રદર્શન થશે.
સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે હાકલ
પત્રકાર પરિષદમાં મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી માટે પ્રતિબદ્ધ છે. તમામ કલેક્ટર અને એજન્સીને તે બાબતે જાણ કરવામાં આવી છે. પંચ પ્રલોભન મુક્ત ચૂંટણી ઇચ્છે છે. પંચ સ્વતંત્ર, નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી ઇચ્છે છે. પ્રલોભન મુક્તનો અર્થ એ છે કે ચૂંટણીમાં ધનનો દુરુપયોગ ના થાય.


