- પિથોરાગઢમાં હિમાલય ક્ષેત્રનાં પ્રાકૃતિક જળસ્ત્રોત બરફ થઇ ગયાં
- પર્યટકોની સાથોસાથ સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો
- ઉત્તરીય રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે
ઉત્તરીય રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તરાખંડમાં ભારત-ચીન સરહદ પર અતિશય ઠંડીના કારણે લોકોની મુશ્કેલીઓ પણ બમણી થઇ ગઇ છે. ચીન બોર્ડર પર -14ની આસપાસનું તાપમાન હોવાના કારણે સડકો પર વહેતાં નાળાઓ સખત બરફમાં પરિવર્તિત થઇ ગયાં છે, જેને પગલે પર્યટકોની અવરજવર પણ મુશ્કેલ થઇ ગઇ છે. પિથોરાગઢમાં માઇનસ 14 ડિગ્રી કરતાં પણ નીચા તાપમાનના કારણે હિમાલય ક્ષેત્રના પ્રાકૃતિક જળસ્ત્રોત બરફ થઇ ગયાં છે. પર્યટકોની સાથોસાથ સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. દારમા માર્ગ પર સમુદ્રની સપાટીથી 10 હજાર ફૂટથી પણ વધારે ઊંચાઇ પર પ્રચંડ વેગથી વહેતું નાળું માઇનસ 14 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચા તાપમાનના કારણે બરફમાં તબદીલ થઇ ગયું છે.
એમપી-યુપીમાં વરસાદ સાથે કડકડતી ઠંડી
મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના ઘણા જિલ્લાઓમાં ગુરુવારે તેજ હવા સાથે વરસાદ નોંધાયો હતો. લોકોને વરસાદની સાથોસાથ તીવ્ર ઠંડીનો પણ અનુભવ થઇ રહ્યો છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં તો ઠંડીનો પારો 4.3 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. કાતિલ ઠંડીના કારણે પ્રયાગરાજમાં સોમવાર સુધી રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. રાજસ્થાનના સીકરમાં તાપમાન એક ડિગ્રી સુધી ગગડી ગયું છે અને માઉન્ટ આબુમાં પણ તાપમાન શૂન્યની આસપાસ ચાલી રહ્યું છે. 15 રાજ્યોમાં ગુરુવારે ભારે ધુમ્મસ સાથે દિવસનો આરંભ થયો હતો.
દક્ષિણ ભારતમાં ફરી વરસાદ શરૂ થશે
હવામાન ખાતાએ જણાવ્યું કે યુપી, પંજાબ, રાજસ્થાન અને હરિયાણામાં આગામી બે દિવસ ગોલ્ડ ડેથી લઇને ગંભીર કોલ્ડ ડેની સ્થિતિ રહેશે. દક્ષિણ ભારતમાં ફરી ચારથી પાંચ દિવસ સુધી વરસાદનો દોર શરૂ થવાનો છે.


