- સોચીનો ઇન્ફ્લુએન્સર પુત્રને સુપરહ્યુમન બનાવવા તેના પર અવનવા પ્રયોગો પણ કરતો
- મેક્સિમ લ્યૂતી નામનો આ ઇન્ફ્લુએન્સર પુત્રને ફીડિંગ કરવા જ નહોતો દેતો
- માત્ર તડકો ખવડાવીને જ જીવતો રાખવા માગતો હતો
રશિયામાં બનેલી એક અજીબોગરીબ ઘટનામાં એક ઇન્ફ્લુએન્સરને એક મહિનાના દીકરા કોસમોસનું મોત નિપજાવવા બદલ 8 વર્ષની જેલની સજા ફટકારાઇ છે. મેક્સિમ લ્યૂતી નામનો આ ઇન્ફ્લુએન્સર પુત્રને ફીડિંગ કરવા જ નહોતો દેતો. તેને માત્ર તડકો ખવડાવીને જ જીવતો રાખવા માગતો હતો. આમ કરીને તે અન્ય બાળકો માટે દાખલો બેસાડવા માગતો હતો કે માત્ર સૂર્યના તાપથી પણ જીવિત રહી શકાય છે. લ્યૂતીનું માનવું હતું કે તડકો ખાવાથી કોસમોસને સુપરહ્યુમન શક્તિઓ મળશે. જોકે દુર્ભાગ્યવશ બાળક કુપોષણ અને ન્યૂમોનિયાનો શિકાર બન્યું. લ્યૂતી તેને ડૉક્ટર પાસે લઇ જવા તૈયાર થયો ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું. ગત વર્ષે 8 માર્ચે તેને સોચીની હોસ્પિટલમાં લઇ જવાતું હતું ત્યારે જ તેનું મોત થયું. વળી, કોસમોસનો જન્મ ઘરે જ થયો હતો કેમ કે લ્યૂતીએ તેની ગર્લફ્રેન્ડ ઓક્સાના મિરોનોવાને પ્રસૂતિ માટે મેટરનિટી હોસ્પિટલમાં જવાની ના પાડી હતી. મૃત્યુ સમયે કોસમોસનું વજન માત્ર 1.58 કિલો હતું. ડૉક્ટર્સનું કહેવું હતું કે બાળક પહેલેથી ઘણું અશક્ત હતું. કોસમોસનાં મોત બાદ લ્યૂતી અને ઓક્સાના બંનેની ધરપકડ કરાઇ હતી.


