- પરોઢે સામેથી આવતા વાહનની લાઈટથી ચાલક અંજાઈ જતા કાર તળાવમાં પડી
- દંપતી મલાતજ ગામે મેલડી માતાજીના દર્શન કરી પરત ફરતું હતું
- ચાલક વાહનની લાઈટથી અંજાઈ જતા કાર પરનો કાબુ ગુમાવતા કાર ખેરવાના તળાવમાં ખાબકી
લખતર તાલુકાના સદાદ ગામે રહેતુ દંપતી મલાતજ મેલડી માતાજીના દર્શને કાર લઈને ગયુ હતુ. જયાંથી પરત ફરતા સમયે વહેલી સવારે ખેરવા પાસે સામેથી આવતા વાહનની લાઈટથી ચાલક અંજાઈ જતા કાર તળાવમાં ખાબકી હતી. જેમાં લખતર તાલુકાના સદાદની મહિલાનું મોત થયુ છે.
લખતર તાલુકાના સદાદ ગામે 36 વર્ષીય દેવજીભાઈ ખોડાભાઈ જીડ પરિવાર સાથે રહે છે. તેઓ તથા તેમના પત્ની મધુબેન ઈકો કાર લઈને ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ મલાતજ મેલડી માતાના દર્શને ગયા હતા. જયાંથી મંગળવારે મોડી રાત્રે પરત સદાદ આવી રહ્યા હતા. ત્યારે બુધવારે વહેલી સવારે દસાડા તાલુકાના ખેરવા પાસે સામેથી આવતા વાહનની લાઈટથી ચાલક દેવજીભાઈ અંજાઈ જતા કાર પરનો કાબુ ગુમાવ્યો હતો. અને કાર ખેરવાના તળાવમાં ખાબકી હતી. જેમાં દેવજીભાઈ જીડનો આબાદ બચાવ થયો હતો. જયારે તળાવના પાણીમાં ડુબી જતા મધુબેન દેવજીભાઈ જીડનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા બજાણા પોલીસની ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે લખતર સરકારી દવાખાને લઈ જવાયો હતો. મધુબેનનું અવસાન થતા પુત્ર નવઘણ અને પુત્રી ભુમિએ માતાની છત્રછાયા ગુમાવી છે.