- આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીના 25 વર્ષ પૂર્ણ
- હરિદ્વારમાં યોજાયો કાર્યક્રમ
- ચંપત રાય, મોહન ભાગવત સહિત રાજકારણીઓ અને સંતો રહ્યા ઉપસ્થિત
હરિદ્વારમાં જુના પીઠાધીશ્વર આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદ ગિરીના 25 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. રામજન્મભૂમિ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય, હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, પૂર્વ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને સાંસદ રમેશ પોખરિયાલ નિશંક સહિત ઘણા રાજકારણીઓ અને સંતોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે આરએસએસ સુપ્રિમો મોહન ભાગવતે સંબોધન કરતા એક મહત્વનું નિવેદન આપ્યું છે.
સનાતન ધર્મ હંમેશા લોક કલ્યાણની વાત કરે છે- મોહન ભાગવત
સંઘ પ્રમુખ મોહન ભાગવતે કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે દેશને ચલાવનારા પ્રજા પર શાસન કરવા નહી પરંતુ તેનું પાલન કરવા માટે છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ સંસદમાં આવીને પહેલા જ કહ્યું હતું કે હું પ્રધાન સેવક છું. આવી વિચારધારા ધરાવતા લોકો જ સત્તા અને શાસનમાં રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે સનાતન ધર્મ હતો છે અને રહેશે જ. સમાજમાં સમયાંતરે કેટલીક વિસંગતતાઓ ઊભી થાય છે અને તેનું સમાધાન પણ થાય છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે સનાતન ધર્મ હંમેશા લોક કલ્યાણની વાત કરે છે.
હરિદ્વારમાં 3 દિવસીય કાર્યક્રમનું આયોજન
મહત્વનું છે કે આચાર્ય મહામંડલેશ્વરના 25 વર્ષ પૂર્ણ થવાના અવસર પર હરિદ્વારના હરિહર આશ્રમમાં ત્રણ દિવસીય ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાગ લેવા માટે મોહન ભાગવત પહોંચ્યા હતા.. આ દરમિયાન તેઓ આશ્રમમાં સંત સમાજને મળ્યા અને તેમની સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી.


