સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
ભાજપના પાલિકા સદસ્ય, આપના શહેર પ્રમુખ અને તેમના પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા દરમિયાન વિવાદ સર્જાયો છે. ભાજપના નગરપાલિકા સદસ્ય, આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અને તેમના પુત્રએ કોલેજમાં જઇને તમે પૈસા લઇને પાસ કરો છો કહીને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતા ત્રણેય સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં કોલેજના ટ્રસ્ટી ચંદ્રિકાબેન ગિરીશભાઈ કામદારે નોંધાવેલી ફરિયાદ મુજબ સાવરકુંડલાની વી.ડી. ઘેલાણી મહિલા કોલેજમાં જુનિયર ક્લાર્કની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે કોલેજ વહીવટ મંડળ અને ટ્રસ્ટીઓ કાર્યરત હતા. આ દરમિયાન પરીક્ષા શરૂ થવાના સમયે કોલેજની લોબીમાં આરોપી ધર્મેન્દ્ર મહેતા (ભાજપના નગરપાલિકાના સદસ્ય), જગદીશ ઠાકોર (આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ) અને જગદીશ ઠાકોરનો પુત્ર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા.
ચંદ્રિકાબેન કામદારે ફરિયાદમાં જણાવ્યું છે કે, પરીક્ષા શરૂ થવાની તૈયારી હતી ત્યારે આરોપીઓ કોલેજમાં આવીને કોલેજ મેનેજમેન્ટ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જાહેરમાં બૂમો પાડીને કહ્યું કે, ‘તમે આ પરીક્ષામાં મોટું સેટિંગ કરી લીધું છે, તમે પૈસા ખાધા છે અને કઈ દીકરીને પાસ કરવી તે અગાઉથી નક્કી કરી લીધું છે’, કહીને ધાક ધમકી આપતા હતા. આ દરમિયાન અમે સિક્યુરિટી મારફતે તેમને બહાર મોકલ્યા હતા.
જોકે, પરીક્ષા પૂર્ણ થયા બાદ આ ત્રણેય આરોપીઓ ફરીથી કોલેજની લોબીમાં આવ્યા હતા અને ત્યાં હાજર પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘આ ખોટી પરીક્ષા છે, પસંદગી પહેલેથી જ થઈ ગઈ છે અને તેમની મહેનત પાણીમાં જશે, આ પરીક્ષા માત્ર એક નાટક છે.’ શૈક્ષણિક વાતાવરણમાં આ પ્રકારના નકારાત્મક પ્રચારથી પરીક્ષાર્થીઓમાં પણ ગભરાટ અને અસમંજસની સ્થિતિ પેદા થઈ હતી.
આરોપીઓ વિદ્યાર્થીઓને ઉશ્કેરતા હોવાથી ટ્રસ્ટીઓ અને અન્ય લોકોએ આ નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે, ‘જો તમારી પાસે કોઈ નક્કર પુરાવા હોય અથવા રજૂઆત હોય, તો અમારા મંડળને લેખિતમાં આપો, અમે તેની તપાસ કરીશું’. આ દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તેમણે ટ્રસ્ટીઓને ધમકાવતા કહ્યું કે, ‘તમે અમને ઓળખતા નથી, બહાર નીકળો એટલે તમારા ટાંટિયા ભાંગી નાંખીશું અને તમને જોઈ લઈશું.’
નોંધનીય છે કે આરોપી ધર્મેન્દ્રભાઈ મહેતા સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નંબર 6ના ભાજપના સદસ્ય છે, જ્યારે જગદીશ ઠાકોર આમ આદમી પાર્ટીના સાવરકુંડલા શહેર પ્રમુખ છે. આ ત્રણેય સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


