- સાયલા – ચોટીલા હાઈવે પર મુસાફરો ભરીને જઈ રહેલા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડાયા
- ટેમ્પો રિક્ષા પલ્ટી ખાતા અંદર સવાર લોકોમાં રાડારાડી મચી જવા પામી હતી
સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર નવા સુદામડા ગામ પાસે સવારના સમયે મુસાફ્રો બેસાડી જઇ રહેલ ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા વાહન પલ્ટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો રિક્ષા પલ્ટી ખાતા અંદર સવાર લોકોમાં રાડારાડી મચી જવા પામી હતી.
વધુમાં મળતી માહિતી મુજબ મદારગઢ ગામેથી નિકળીને કામે જવા નિકળેલા 10 લોકોનો ટેમ્પો પલ્ટી ખાવાની ઘટનામાં વૃદ્ધ મહિલા તેમજ યુવાનને ગામ ગંભીર ઇજાઓ થવા સાથે અંદર સવાર તમામને ઇજાઓ થવા પામી હતી. ઘાયલોને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા બાદ વીજુબેન બેચરભાઇ દેત્રોજા ઉ.વ 67 રહે. મદારગઢને ગંભીર ઇજાઓ થવાથી સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતું. જયારે રણજીતભાઇ રણછોડભાઇ ઉ.વ 40 ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યારે સાયલા હોસ્પિટલ ખાતે અન્ય નવ લોકોને થયેલી સામાન્ય ઇજાઓની સારવાર આપવામાં આવી હતી.
મદારગઢ ગામના લોકોના ટેમ્પો વાહન અકસ્માતના સમાચાર મળતાં તેમના સ્વજનો, પરિચિતોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે એકઠા થવા પામ્યા હતા.