- પ્રાઇવેટ લેબને ફાયદો પહોંચાડવાના આક્ષેપ
- પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટના કિસ્સામાં ઉપરાજ્યપાલ દ્વારા તપાસની ભલામણ
- દિલ્હીમાં મહોલ્લા ક્લિનિક્સ તે કેજરીવાલ સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે
દિલ્હીમાં મહોલ્લા ક્લિનિક્સ તે કેજરીવાલ સરકારનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. પંજાબમાં પણ તે ધોરણે નાના ક્લિનિક્સ શરૂ કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી તેના મહોલ્લા ક્લિનિક્સની યોજના પર ખૂબ ગર્વ કરતી હોય છે. હવે તે મહોલ્લા ક્લિનિક્સ દ્વારા થતા પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટમાં કૌભાંડના આરોપ લાગ્યા છે. દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.
કેજરીવાલ સરકારની મુશ્કેલી તેથી વધી ગઈ છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે ઈડી દ્વારા શરાબ નીતિમાં કૌભાંડ કેસમાં ચોથી નોટિસ જારી થવા જઈ રહી છે. તો બીજી તરફ દિલ્હીના મહોલ્લા ક્લિનિક્સ નકલી પેથોલોજી અને રેડિયોલોજી ટેસ્ટ કરાવીને ખાનગી લેબને ફાયદો પહોંચાડી રહ્યાના આરોપ થવા લાગ્યા છે. આ કિસ્સામાં કેજરીવાલ સરકાર દિલ્હીના આરોગ્ય સચિવને સસ્પેન્ડ કરવા ભલામણ કરી શકે છે. હકીકતે ઓગસ્ટ 2023માં કુલ 7 મહોલ્લા ક્લિનિક્સમાં કર્મચારીઓની હાજરી સંબંધી કેટલીક અનિયમિતતા સામે આવી હતી સ્ટાફ પહેલેથી રેકર્ડ કરેલા વીડિયો આધારે હાજરી પૂરી રહ્યા હતા. 7 મહોલ્લા ક્લિનિક્સમાં કર્મચારી ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં ગરબડ કરીને હાજરી પૂરી રહ્યા હતા. સપ્ટેમ્બર 2023માં જ કેટલાક તબીબ, ફાર્માસિસ્ટ, મલ્ટિ ટાસ્કિંગ વર્કર સામે કાર્યવાહી કરીને તેમને છૂટા કરવામાં આવ્યા હતા. રેકર્ડની તપાસ કરતાં ધ્યાને આવ્યું કે 7 મહોલ્લા ક્લિનિક્સમાં ગેરરીતિ આચરીને ખોટા મોબાઇલ નંબર આધારે દર્દીઓની નોંધણી- ટેસ્ટ થયા હતા.


