ઓછા ફોર્સથી પાણી મળતું હોવાની ફરિયાદ બાદ કલેકટરના સ્થળ પર દરોડા
ગીર સોમનાથ જીલ્લાના સૂત્રાપાડા પંથકમાં નર્મદાની લાઈનમાંથી પીવાનું પાણી અપુરતુ ફોર્સ વગરનું મળી રહ્યાની જીલ્લા કલેકટર સુધી ફરીયાદો પહોંચતા તપાસના આદેશ કરાયા હતા. જેમાં સૂત્રાપાડાના કદવાર નજીક નર્મદાની લાઈનમાં તપાસ કરતા ગેરકાયદેસર રીતે લેવાયેલા સંખ્યાબંધ કનેક્શનો મળવાની સાથે સુવ્યવસ્થિત રીતે પાણી ચોરી કરાઈ રહ્યાના કૌભાંડનો પર્દાફાશ થતા અધિકારીઓ ચોકી ઉઠયા હતા. આ મામલે કલેકટરએ સંપૂર્ણ લાઈનમાં તપાસ કરવા વધુ ટીમો કામે લગાડી છે ત્યારે આગામી દિવસોમાં નર્મદાના પાણી ચોરી મામલે મોટો ખુલાસો થવાની શકયતા જણાઈ રહી છે.
ગીર સોમનાથના સોનારીયાથી પ્રશ્નાવડા જતી નર્મદાની પાણીની પાઇપલાઇનમાંથી બાર ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. ત્યારે આ લાઈનમાંથી પાણી ચોરી થતી હોવાના લીધે અમુક ગામોના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી ન મળી રહ્યાની ફરીયાદ તંત્ર સુધી પહોંચી હતી. જેને ગંભીરતાથી લઈ આજે જીલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા અચાનક ટીમ સાથે કદવાર નજીક પહોંચી નર્મદાની લાઈનમાં તપાસ કરાવતા ટેપીંગ કરી ગેરકાયદેસર રીતે લીધેલા સંખ્યાબંધ કનેક્શનો મળી આવતા દુર કરવામાં આવ્યા હતા.
પાણી ચોરીના પર્દાફાશ થયેલ કૌભાંડ અંગે કલેકટર જાડેજાએ જણાવેલ કે, નર્મદાની લાઈનમાંથી સુવ્યવસ્થિત રીતે પાણી ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. જેમાં જમીન ખોદી નર્મદાની લાઈનમાં ટેપીંગ કરી ગેરકાયદેસર રીતે કનેક્શન લઈ લાઈન ફીટ કરીને કુવાઓ ભરવામાં આવતા તેમજ અમુક કનેક્શનો તો ખાનગી ઉપયોગ માટે પણ કરાતો હોવાનું સામે આવ્યુ છે. જેથી નર્મદા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને સમગ્ર નર્મદાના લાઈનની તપાસ કરી રીપોર્ટ કરવા સુચના આપી છે. આ કામગીરી બે-ચાર દિવસમાં પુર્ણ થયા બાદ પાણી ચોરીમાં કોણ અને કેટલા સામેલ છે તેની સમગ્ર હકકીત સામે આવશે. પાણી ચોરી કરતા લોકો સામે કડક હાથે કામ લેવા જરૂર પડે તો પોલીસ ફરિયાદ નોંધાવવા સુચના આપી છે.


