જો તમે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેવાની યોજના બનાવી રહ્યા છો, તો તમારા માટે મહત્વપૂર્ણ અપડેટ છે. હવે વિઝા જારી થયા પછી પણ US વિઝા સ્ક્રીનીંગ ચાલુ રહેશે . ટ્રમ્પ વહીવટીતંત્રએ તેમના સત્તાવાર X એકાઉન્ટ પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી છે કે વિઝા મળ્યા પછી પણ દેખરેખ ચાલુ રહે છે અને નિયમોનું પાલન ન કરનારા લોકોના વિઝા રદ પણ થઈ શકે છે.
સ્ટેટ ડિપાર્ટમેન્ટની પોસ્ટ
સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે દરેક વિઝા ધારક પર સતત મોનિટરિંગ થાય છે. જો કોઈ વ્યક્તિ અમેરિકાના કાયદા અથવા ઇમિગ્રેશન નિયમોનો ભંગ કરે, તો તેમના વિઝા રદ થઈ શકે છે અથવા તેમને દેશની બહાર કાઢવામાં આવી શકે છે.
ગ્રીન કાર્ડ ધારકો
ગ્રીન કાર્ડ, જેને કાયમી રહેઠાણ કાર્ડ પણ કહેવામાં આવે છે, વ્યક્તિને USમાં રહેવાની અને કામ કરવાની મંજૂરી આપે છે. જોકે, US વાઇસ પ્રેસિડેન્ટ જે.ડી. વાન્સે એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ કર્યું કે ગ્રીન કાર્ડ ધરાવવું એટલે જીવનભર અમેરિકા રહેવાની ગેરંટી નથી. તેઓએ ભારપૂર્વક કહ્યું કે ગ્રીન કાર્ડ ધારકોને પણ સતત નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. સાથે હવે સ્ટેટ ડિપાર્ટમેન્ટે પણ આ વાતને ફરી દૃઢ કરી છે કે વિઝા જારી થયા પછી પણ સ્ક્રીનીંગ હંમેશા ચાલુ જ રહે છે.
આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષા
ટ્રમ્પ અને રૂઢિચુસ્ત નેતાઓ ઇમિગ્રેશન અંગે ખૂબ જ સખત વલણ રાખી રહ્યા છે. આર્થિક અને રાષ્ટ્રીય સુરક્ષાના હવાલાથી તેઓ એવી નીતિઓને સમર્થન આપી રહ્યા છે જે અમેરિકામાં બહારથી આવતા લોકો માટે વધુ પડકારો ઉભા કરે છે. ખાસ કરીને ભારતીય ગ્રીન કાર્ડ ધારકો અને મોટી ઉંમરના લોકો આ નીતિઓને લઈને ચિંતિત છે, કારણ કે ઘણા લોકો દર વર્ષે શિયાળાના મહિનાઓ ભારત અને અમેરિકા વચ્ચે વિતાવે છે. ભારત વર્ષોથી USમાં કાયદેસર રીતે પ્રવેશતા ઇમિગ્રન્ટ્સનું સૌથી મોટો દેશ રહ્યો છે. પરંતુ તાજેતરની કડક નીતિઓ અને ગ્રીન કાર્ડની સ્થિરતા અંગેની અનિશ્ચિતતાએ ઘણા લોકોને ભવિષ્ય વિશે ચિંતિત બનાવ્યા છે.


