ભાવનગરમાં મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધા : સવારે રાજુલા ખાતે અંતિમ વિધિ યોજાઇ
‘અગ્ર ગુજરાત’ના શિલ્પી અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ (ઉમર ૬૦) નું તા.૨૭ જાન્યુઆરીની મોડી રાત્રે ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હ્ર્દય બંધ પડી જતાં અવસાન થયું હતું. થોડા દિવસ પહેલાં વાયરલ ઇન્ફેક્શન થયું હતું. રાજકોટમાં એમને તાવ આવેલો બાદમાં વતન રાજુલામાં તબિયત વધુ બગડતા ભાવનગર બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં વધુ તબિયત બગડી ને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. ઘનિષ્ઠ સારવાર પછી તબિયત સ્થિર થઈ પણ ૨૭ની રાત્રે તબિયતે ઉથલો માર્યો અને.મોડી રાત્રે એમણે દુનિયાને અલવિદા કરી હતી. દિલીપના પરિવારમાં પત્ની ચંદ્રિકાબેન, પુત્ર કુણાલ, પુત્રી કુંજ છે.
દિલીપની પત્રકારત્વમાં ત્રણ દાયકાની તેજસ્વી કારકિર્દી રહી. પ્રિન્ટથી માંડી ડીજીટલ મીડિયા સુધી એમણે કામ કર્યું. બહુ સારા અનુવાદક હતા. કવિ પણ. રાજકોટ, મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદમાં વિવિધ અખબારો , સામાયિક, ટીવી ચેનલ, વેબસાઈટ માટે કામ કર્યું. એમની નીચે ઘણા બધા પત્રકારોનું ઘડતર થયું. એ ટેકનોલોજીના પણ અચ્છા જાણકાર હતા. શ્રેષ્ઠ સંપાદકને ઉમદા માનવી હતા. રાજકીય સમીક્ષક તરીકે એમની અનોખી ભાત રહી. કર્મઠને નિષ્ઠાવાન, નિડર પત્રકારની વિદાયથી ગુજરાતી પત્રકારત્વને મોટી ખોટ પડી છે.
દિલીપ ગોહિલે ગુજરાતના જાણીતા અખબારો જનસત્તા, સમકાલીન ઉપરાંત મેગેઝીન્સ અભિયાન, ચિત્રલેખા, અભિષેક વગેરેમાં કામ કર્યુ હતું. ઇન્ડિયા ટુડેએ તેની ગુજરાતી એડીશન શરૂ કરી ત્યારે દિલ્હી ખાતે તેઓ કોપી એડીટર હતાં. આ ઉપરાંત રિડીફ ડોટ કોમ ગુજરાતના એ એક મુખ્ય પત્રકાર હતાં. ‘અગ્ર ગુજરાત’નું જયારથી વિચારબીજ રોપાયું ત્યારથી દિલીપભાઇ એની સાથે બહુ જ ઘનિષ્ઠ પણે સંકળાયેલા હતાં.
દિલીપભાઇ પત્રકાર ઉપરાંત સારા અનુવાદક તેમજ કવિ પણ હતાં. સ્ટીવ જોબ્સ, ઇલોન મસ્ક (ટેસ્લા), લીયોનાર્ડ વિન્સી વગેરે લગભગ અડધો ડઝન પુસ્તકોના અંગ્રેજીમાંથી સરળ અને રસાળ ગુજરાતીમાં તેમણે અનુવાદ કર્યા હતાં. બીબીસીમાં પણ તેમણે થોડો સમય કામ કરેલું. ETVએ હૈદરાબાદ ખાતે તેની પ્રાદેશિક ચેનલ શરૂ કરી ત્યારે ગુજરાતી ચેનલની કામગીરી દિલીપભાઇએ સંભાળી હતી. GSTVમાં પણ તેમણે ઘણો સમય કામ કરેલું. અંદાજે ૨૦૦ જેટલા પત્રકારો તેમણે તૈયાર કર્યા હતાં. જે તેમની ઘણો મોટી સેવા ગુજરાતી અખબારી જગતને કહી શકાય.
રાજકારણ અને અર્થશાસ્ત્રનો તેમનો અભ્યાસ ઘનિષ્ઠ હતો. ઘણી ચેનલો પર આ વિષયોના તજજ્ઞ તરીકે તેઓ ડિબેટમાં સામેલ થતા હતાં અને પોતાના નિર્ભીક રીતે વિચારો વ્યકત કરતા હતાં. તેમણે હસમુખ ગાંધી, હરકિશન મહેતા જેવા સમર્થ પત્રકારો સાથે પણ કામ કર્યુ હતું.
આજે સવારે રાજુલા ખાતે તેમના વતનમાં યોજાયેલી અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સમાજના લોકો તેમજ નાગરિકો જોડાયા હતાં અને રાજુલાના આ સપૂતને હાર્દિક શ્રધ્ધાંજલી પાઠવી હતી. રાજુલાના નાના-મોટા દરેક પ્રશ્નનના ઉકેલમાં દિલીપભાઇ સક્રિય રહેતા હતાં.